
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહિવત્ વરસાદને કારણે ખેતીની સ્થિતિ ગંભીર બની છે. ત્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભાદર ડેમ અને બાંટવા ખારા ડેમ માંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ, પૂરતો વરસાદ ન પડતાં જિલ્લાના તળાવો, કૂવા અને બોરનાં જળસ્તર ઊંડાં ગયાં છે. ખરીફ પાક નિષ્ફળ જતાં ખેડૂતો હવે રવિ પાકનું વાવેતર કરવા માગે છે, પરંતુ સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી વધી છે. ભાદર અને બાંટવા ખારા ડેમ માંથી પાણી છોડવામાં આવે તો રાણાવાવ અને કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના આશરે 40થી 50 ગામોના ખેડૂતોને
રાહત મળી શકે છે.
જિલ્લા પંચાયત પ્રમુખે રજૂઆત કરી છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકશે અને પશુઓ માટે ઘાસચારાનું ઉત્પાદન પણ કરી શકશે.દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોની સાથે પશુપાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતોઅને પશુપાલકોના હિતમાં વહેલી તકે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya