
મુંબઈ, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). 'ધ લંચબોક્સ' જેવી જાણીતી ફિલ્મના દિગ્દર્શક રિતેશ બત્રાની નવી ફિલ્મ, 'લોંગ યર્સ એગો'નું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે. વર્ષ 1991ની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફેમિલી કોમેડી-ડ્રામામાં સૈફ અલી ખાન, વિદ્યા બાલન અને ફ્રેન્ચ અભિનેત્રી મેલાની લોરેન્ટ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
ફિલ્મની વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે, જેના સભ્યો પોતાની ન કહેવાયેલી લાગણીઓ અને પરસ્પરના સંબંધોની ગૂંચવણો સાથે સંઘર્ષ કરે છે. ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડેના નેતૃત્વમાં જિયો સ્ટુડિયોઝ કરી રહ્યું છે.
રિતેશ બત્રાએ ફિલ્મના આ કલાકારોની ટુકડી સાથે કામ કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેમના મતે, બધા કલાકારો વાર્તામાં પોતાની ખાસ સંવેદનશીલતા અને ઊંડાણ ઉમેરે છે. વળી, સૈફ અલી ખાનને ફિલ્મની પટકથા ઘણી રસપ્રદ લાગી છે. અભિનેતા આ વાર્તાની વ્યાપક અપીલને લઈને ઉત્સાહિત છે. ફિલ્મ દ્વારા દર્શકોને પારિવારિક સંબંધો અને લાગણીઓની એક અલગ દુનિયા જોવા મળશે.
વિદ્યા બાલન માટે પણ આ ફિલ્મ ખાસ છે, કારણ કે તે લાંબા સમયથી રિતેશ બત્રા સાથે કામ કરવા માંગતી હતી. દિગ્દર્શકની 2013માં આવેલી ફિલ્મને મળેલી પ્રશંસા પછી તેમના મનમાં આ ઈચ્છા હતી. બીજી તરફ, રિતેશ અને મેલાની લોરેન્ટનું સાથે આવવું પણ એક જૂના સ્વપ્નના સાકાર થવા જેવું છે. બંનેએ લગભગ 15 વર્ષ પહેલાં મરાકેશ ફિલ્મ મહોત્સવમાં આ પ્રકારની ફિલ્મને લઈને પહેલીવાર ચર્ચા કરી હતી. હવે 'લોંગ યર્સ એગો' દ્વારા આ સહયોગ વાસ્તવિકતામાં બદલાઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ