

પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 30 અને 31 ઓક્ટોબરના કાર્યક્રમોના સુચારુ આયોજનને લઈને ઊંઝા અને સિદ્ધપુર બ્લોકની સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓના હોદ્દેદારો તથ સહકારી આગેવાનોની વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડના જીવંત પ્રસારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને કાર્યક્રમોમાં વધુમાં વધુ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરિકો સહભાગી બને તે માટે આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન 30 ઓક્ટોબરે યોજાનારા પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ તથા 31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડના પ્રસારણ માટેની સ્થાનિક વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય અને ગ્રામ્ય સ્તરે લોકો સુધી તેની માહિતી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે જરૂરી માળખાકીય સુવિધાઓ, વ્યવસ્થાપન અને અન્ય તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં સોમાજી ઠાકોર, હરિભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ, અશોકભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત, નરેન્દ્રભાઈ ચૌધરી, અભૂજી ઠાકોર, રવિભાઈ પટેલ અને કનુજી ઠાકોર સહિતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના કર્મચારીઓ, વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ, સભાસદો અને ડેરીના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સહુએ સાથે મળીને બંને કાર્યક્રમોનું સ્થાનિક કક્ષાએ સુચારુ આયોજન થાય અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે જરૂરી સહયોગ આપવાની દિશામાં ચર્ચા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ