
પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના એક ગામની 17 વર્ષ અને 11 માસની સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી બાઇક પર લઈ જવા અને માનસિક ત્રાસ આપવાના મામલે ઊંઝા તાલુકાના ભુણાવ ગામના યુવક સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સગીરાનો આશરે એક વર્ષ અગાઉ યુવક સાથે પરિચય થયો હતો. આ દરમિયાન યુવકે તેના મોબાઇલમાં ફોટા પાડ્યા હતા. જોકે, સગાઈ અંગેની વાતચીત દરમિયાન યુવકના ઘરે યોગ્ય જમીન અને વ્યવસ્થા ન હોવાથી સગીરાના પરિવારે સંબંધનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં યુવકે તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું.
આરોપીએ ગત એપ્રિલ મહિનામાં સગીરાને ફોન કરીને સેભર રોડ પર બોલાવી હતી અને ન આવે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાને તેની મરજી વિરુદ્ધ બાઇક પર બેસાડી સેભર મંદિર નજીક ઝાડીઓમાં, વિસનગર અને પોતાના ઘરે લઈ ગયો હોવાનો આક્ષેપ છે. બાદમાં પરિવારજનોએ તેને મુક્ત કરાવી હતી.
તાજેતરમાં સગીરાના પરિવારે અન્ય સ્થળે સગાઈની વાતચીત શરૂ કરતાં આરોપીએ અગાઉના સંબંધોની ચર્ચા ફેલાવી અને ફોટા બતાવી સગાઈ તોડાવી દીધી હોવાનો આરોપ છે. સતત માનસિક ત્રાસથી કંટાળીને સગીરાએ ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ