
જુનાગઢ 28 ઓક્ટોબર (હિ.સ.)
ગિરનાર લીલી પરીક્રમાના સુચારૂ આયોજન અંગે અને પરિક્રમાર્થીઓ માટે પાણી, લાઈટ અને આરોગ્ય સહિતની સુવિધા સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રીશ્રી
સામાજિક ન્યાય અને અધિકારીતા,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ, રાષ્ટ્રીય એકતા દિનની અને આગામી સમયમાં યોજાનાર ગિરનાર લીલી પરીક્રમાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક આજ રોજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
જૂનાગઢ આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ યોજાનારા પીએમ કિસાન ઉત્સવ તથા તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા એકતા દિવસની ઉજવણીને સુવ્યવસ્થિત આયોજન અને પરંપરાગત ગીરનાર લીલી પરીક્રમાની પૂ્ર્વ તૈયારીઓની જિલ્લાના પ્રભારી મંત્રી ની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કાર્યક્રમોના સુચારૂ આયોજન, વિવિધ વિભાગો વચ્ચે સંકલન, સોંપવામાં આવેલી જવાબદારીઓના સમયસર અમલીકરણ તથા જરૂરી પ્રાથમિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારીમંત્રીએ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત તા. ૨૦ નવેમ્બર ૨૦૨૬ થી આરંભ થનાર પરંપરાગત ગિરનાર લીલી પરીક્રમાના આયોજન અંગેની પૂર્વ તૈયારીઓની જાણકારી કલેકટર યોગેશ ચૈાધરી એ મંત્રીને આપી હતી.
મંત્રી એ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના સુચારું આયોજન તેમજ આગામી મહિનામાં યોજાનારી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓ માટે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના દરેક વિભાગને એકબીજાના પૂરક બનીને કામગીરી કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ખાસ કરીને ગિરનાર પરિક્રમામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટેની પૂર્વ તૈયારીઓ, ઉપરાંત લાઇટિંગની વધુ વ્યવસ્થા થાય, આરોગ્ય સહિતની બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમ જ પદાધિકારીઓ અધિકારીઓ સાધુ સંતો વન વિભાગ ને સંયુક્તમાં પરિક્રમાના રૂટનું રૂટ નિરીક્ષણ કરવા પણ સૂચન કર્યું હતું
આ સમીક્ષા બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આઈ.આર.વાળા,, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જેડીસીસી બેંક ના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી વિપુલભાઈ કાવાણી, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ