
ક્વેટા (બલોચિસ્તાન), પાકિસ્તાન (હિ.સ.). નવી દિલ્હી, બલોચિસ્તાન પ્રાંતના દલબંદિન વિસ્તારના માઉન્ટ તરનમાં થયેલા ધમાકામાં અફઘાનિસ્તાન સેનાના પૂર્વ કમાન્ડર મતીન આગા ગંભીર રીતે ઘાયલ થયા. આ ધમાકામાં અફઘાન સેનાના બે પૂર્વ જવાનો પણ માર્યા ગયા. પત્રકાર બહોત બલોચે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મતીન આગા અને ઘટનાસ્થળની તસવીરો શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.
ધ બલોચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર સમર્થિત સશસ્ત્ર જૂથનો એક મહત્વનો સભ્ય શાહુ પણ ધમાકામાં માર્યો ગયો. બલોચિસ્તાનમાં અફઘાન સેનાના પૂર્વ જવાનોની હાજરી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આરોપ છે કે પાકિસ્તાની સેના તેમનો ઉપયોગ બલોચ નેશનલ મૂવમેન્ટ વિરુદ્ધ કરે છે. બલોચિસ્તાનની આઝાદીની લડાઈમાં સક્રિય સશસ્ત્ર સંગઠન બલોચ લિબરેશન આર્મી મુજબ, ખુઝદારમાં શફીક મેંગલના ઘર પર થયેલા હુમલામાં અફઘાન સેનાના પૂર્વ જવાનો પણ માર્યા ગયા છે.
બલોચ નેશનાલિસ્ટ સંગઠન (બીવાયસી) અને બલોચિસ્તાન નેશનલ પાર્ટી સહિત બલોચિસ્તાન એસેમ્બલીના સભ્યોએ પણ બલોચિસ્તાનમાં અફઘાન સેનાના નિવૃત્ત અધિકારીઓની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. આ પક્ષોનું કહેવું છે કે, આ પૂર્વ કમાન્ડરો બલોચિસ્તાનમાં મિલિટરી ઓપરેશન અને અન્ય ગુનાઓમાં પાકિસ્તાની સેના સાથે હાજર છે.
વળી પશ્તો વિસ્તારોમાં સ્થાનિક લોકોએ પણ કહ્યું છે કે, આ અફઘાન કમાન્ડરો રમખાણો, ચોરી અને અન્ય ગુનાઓમાં સામેલ છે. જોકે, સરકારી સ્તરે તેમની હાજરી અંગે કોઈ સ્પષ્ટ સ્થિતિ નથી. બલોચિસ્તાનના પૂર્વ મંત્રી અને પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી મુસ્લિમ લીગના સાંસદ અબ્દુલ રહેમાન ખેત્રાને પણ ડેરા બુગતી અને બરખાનના સરહદી વિસ્તારોમાં અફઘાન સરકારના પૂર્વ કમાન્ડરોની હાજરીની પુષ્ટિ કરી છે. ભરોસાપાત્ર સૂત્રોએ પુષ્ટિ કરી કે, પાકિસ્તાનની મિલિટરી એજન્સીઓ આ એક્સ-સર્વિસમેનને અફઘાન તાલિબાનની સાથે-સાથે બલોચ નેશનલ મૂવમેન્ટ વિરુદ્ધ મિલિટરી તૈયારીઓમાં ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ