
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે સુરત શહેર અને જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાની 565 ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા સાંજે 5 વાગ્યાથી ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, પોલીસ સ્ટેશનો, સહકારી અને દૂધ મંડળીઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા એકતા દોડ, ‘રન ફોર યુનિટી’, એકતા શપથ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે સમાજના ઉત્થાન માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેડૂતો, પૂજારીઓ, સમાજસેવકો, વનરક્ષકો, આરોગ્યકર્મીઓ, શિક્ષકો સહિતના નાગરિકોનું જાહેર સન્માન કરવામાં આવશે. દેશભક્તિના સૂત્રો, બેનરો અને ગીતો સાથે એકતા યાત્રાનું પણ આયોજન કરાશે.
31 ઓક્ટોબરે સાંજે 7.10 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સુરત જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.
આ ઉજવણીનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો તેમજ સમાજમાં એકતા અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે