
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) : સુરત જિલ્લામાં આગામી તા.30મીના રોજ ‘કિસાન ઉત્સવ દિવસ' ની ભવ્ય ઉજવણી નગરપાલિકા, તા.પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ કરવામાં આવશે. વડાપ્રધાન પી.એમ.કિસાન યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરશે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક દીઠ બે જગ્યાએ એટલે કે 72 જગ્યાએ કૃષિલક્ષી કાર્યક્રમ યોજાશે. કૃષિ, બાગાયત સહકારી મંડળી, પેક્સના સભ્યો, કિસાન સહકારી મંડળી, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લાભાર્થીઓ જોડાશે. આ ઉપરાંત, કિસાન વિકાસ કેન્દ્ર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્રો સહિતના સભ્યો આ કાર્યક્રમમાં સહભાગી થશે અને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે. મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે સખી મંડળો દ્વારા સ્ટોલ પણ ઉભા કરાશે. કિસાન ઉત્સવ અને એકતા દિનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ ઉપસ્થિત રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉજવણીના આયોજનની તૈયારીઓ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીનાની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સુરત જિલ્લા પંચાયત ખાતે રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, પ્રાંત અધિકારીઓ, ખેતીવાડી અધિકારી સહિત વિભાગીય અધિકારીઓ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. બેઠક દરમિયાન ગ્રામ્ય સ્તરે કાર્યક્રમોના આયોજન, લાઈવ પ્રસારણની વ્યવસ્થા અને નાગરિકોની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નોડલ વિવિધ સમિતિઓ અને ઓફિસરોની નિમણૂક કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમોમાં મહત્તમ લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને કિસાન ઉત્સવ દિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે