
નવસારી, 28 ઓક્ટોબર (હિ.સ.) : શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે બુધવારથી ‘સરસ મેળો-2026’નો પ્રારંભ આદિજાતિ વિકાસ અને કુટિર ઉદ્યોગમંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળો 4 નવેમ્બર સુધી ચાલશે.
મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલાં હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ખાદ્ય ચીજવસ્તુઓ, દિવાળીની સજાવટની વસ્તુઓ, દીવાઓ અને ગિફ્ટ પેક સહિતની ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ઊભા કરાયા છે.
મંત્રી નરેશ પટેલે સખીમંડળોની બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સ્વરોજગારની તકો વધારવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સખીમંડળોને CIF સ્ટાર્ટઅપ ફંડ, SHG સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ અને કેશ ક્રેડિટ લોનની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, મેયર અશોકભાઈ ધોરાજિયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે