
ચેન્નઈ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ‘અરનબ’ વાવાઝોડાની અસર હવાઈ ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. વાવાઝોડા અને હવામાનમાં સંભવિત ફેરફારોને ધ્યાનમાં રાખીને, ચેન્નઈ હવાઈ મથક પર આજે આવતી અને જતી કુલ 12 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચેન્નઈ હવાઈ મથકના વરિષ્ઠ અધિકારીઓએ એક અખબારી યાદી બહાર પાડીને આ માહિતી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ‘અરનબ’ વાવાઝોડું આજે સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર સાથે ટકરાયું. વાવાઝોડાનો મુખ્ય ભાગ વહેલી સવારે જ કિનારે પહોંચી ગયો હતો, જ્યારે તેનો પાછળનો ભાગ આગામી ત્રણ કલાક દરમિયાન કિનારે ટકરાયો. આ પહેલાં, વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારા નજીક બંગાળની ખાડીના મધ્ય-પશ્ચિમ ભાગમાં કેન્દ્રિત હતું અને છ કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું. આ દરમિયાન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી.
વાવાઝોડાની અસર અને ખરાબ હવામાનની આશંકાને ધ્યાનમાં રાખીને, ચેન્નઈથી આંધ્ર પ્રદેશ જતી અને ત્યાંથી ચેન્નઈ આવતી કેટલીક ફ્લાઈટ્સ અગાઉથી જ રદ કરી દેવામાં આવી હતી. હવે આજે કુલ 12 ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ચેન્નઈથી વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને રાજમુન્દ્રી જતી ઇન્ડિગો એરલાઇન્સની છ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાંથી ચેન્નઈ આવતી છ ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.
ચેન્નઈથી આજે રદ કરાયેલી ફ્લાઈટ્સમાં સવારે 5:25 વાગ્યે વિશાખાપટ્ટનમ જતી, સવારે 7 વાગ્યે વિજયવાડા જતી અને સવારે 10:30 વાગ્યે વિશાખાપટ્ટનમ જતી ઇન્ડિગોની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બપોરે 2:35 વાગ્યે રાજમુન્દ્રી, બપોરે 2:45 વાગ્યે વિજયવાડા અને સાંજે 4 વાગ્યે વિશાખાપટ્ટનમ જતી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. તેવી જ રીતે, વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને રાજમુન્દ્રીથી ચેન્નઈ પહોંચતી ઇન્ડિગોની છ ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.
એક જ દિવસમાં 12 ફ્લાઈટ્સ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ હવાઈ મથક જવા રવાના થાય તે પહેલાં, તેમની ફ્લાઈટની સ્થિતિ ઇન્ડિગો એરલાઇન્સ અથવા ચેન્નઈ હવાઈ મથકના સત્તાવાર માધ્યમો દ્વારા તપાસી લે, જેથી કોઈ પણ અસુવિધા ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ