મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પર પાંચમી વખત તાપી શુદ્ધિકરણ અને વિશેષ સફાઈ અભિયાન યોજાયું
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) : ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘તાપી શુદ્ધિકરણ’ અંતર્ગત યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સફાઈ વિભાગના સહયોગથી મોટા વરાછાથી ચીકુવાડી તરફ જતા અત્યંત જોખમી અને બિનરેલિંગવાળા તાપી નદી પરના બ્રિજ પર પાંચમી
તાપી શુદ્ધિકરણ અને વિશેષ સફાઈ અભિયાન


સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) : ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘તાપી શુદ્ધિકરણ’ અંતર્ગત યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સફાઈ વિભાગના સહયોગથી મોટા વરાછાથી ચીકુવાડી તરફ જતા અત્યંત જોખમી અને બિનરેલિંગવાળા તાપી નદી પરના બ્રિજ પર પાંચમી વખત વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણ, અન્ય દેવી-દેવતાઓ તેમજ પિતૃઓના ફોટોગ્રાફ્સ, મૂર્તિઓ, નાનાં લાકડાના મંદિરો, ચુંદડીઓ અને શ્રીફળ જેવી 750 કિલો પૂજાસામગ્રી તથા કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરાયો હતો.

સુરત મહાનગરપાલિકા મોટા વરાછા ઝોન-એના એસ.આઈ. ટી.બી. ભટ્ટ, એસ.એસ.આઈ. રૂપેશ કોસંબડિયા તથા 16 સફાઈમિત્રો ઉપરાંત, ફાયર વિભાગના માર્શલ લીડર ગિરિરાજ એમ. ગઢવી, માર્શલ અનિલભાઈ બારિયા, માર્શલ કિરણભાઈ પટેલ સહિતના કર્મચારીઓએ લોકજાગૃત્તિ માટે ખૂબ જોખમી જગ્યાએ ઉભા રહી સેફ્ટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી તાપી નદી અને બ્રિજ પર સફાઈ કરી હતી.

લોકહિતના કાર્ય સાથે જોડાયેલા યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ દ્વારા જીવનરક્ષા એવોર્ડથી સન્માનિત પ્રકાશકુમાર વેકરીયાએ પણ જીવના જોખમે આ સફાઈ ઝુંબેશનું વિચારબીજ રોપી જાતે સફાઈ કામગીરીમાં જોડાયા હતા, અને અન્યોને પણ પ્રેરણા આપી હતી.

વેકરીયાએ તાપી શુદ્ધિકરણ અભિયાનનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, અંધશ્રદ્ધાને નામે કચરો ફેંકતા લોકોને અટકાવવા અને આવનારા સમયમાં પર્યાવરણ તથા લોકમાતા નદીઓના માધ્યમથી લોકોને ચોખ્ખુ પાણી મળી રહે અને સૌ નિરોગી જીવન જીવે એવી ભાવના છે. સાથે સાથે તેમણે પવિત્ર તાપી નદીમાં ગંદકી ના થાય, લોકો તેમાં પૂજાપો, ફળફૂલ, કચરો, ખાદ્યાન્ન, ભગવાનની જૂની છબિઓ, ફોટા ન ફેંકે તેમજ સૌ શહેરીજનો તાપી સહિત તમામ નદીઓને બચાવવા, તેનુ જતન અને સંવર્ધન, સ્વચ્છ-શુદ્ધ રાખવાની ભારપૂર્વક અપીલ કરી હતી.

બ્રિજ પરથી વારંવાર કચરો ફેંકવાથી નદી અને પર્યાવરણને તો નુકસાન થાય જ છે, સાથે સાથે જોખમી સ્થળે સફાઈ કરવા ઉતરતા સફાઈ કર્મચારીઓ અને સેવાભાવી કાર્યકરોના જીવન પણ જોખમમાં મૂકાય છે. જેથી સંતો-મહંતો, કથાકારો, પંડિતો અને ભૂદેવો પણ પોતાના કથા-પ્રવચનોમાં પર્યાવરણ સંરક્ષણ અને નદીઓની સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવે તેવો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

યુનિવર્સલ ફાઉન્ડેશન ટીમે સફાઈ કામગીરીમાં જોડાયેલા સૌ કર્મચારીઓ-સ્વયંસેવકોનો આભાર વ્યકત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande