લોજિસ્ટીક કંપનીના ત્રણ કર્મચારીઓ, 1 કરોડના બે ટ્રક ટ્રેલર લઈને ભાગી ગયા
અમદાવાદ,29 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં રહેતા અને ગાંધીધામ થી સંચાલિત લોજિસ્ટીક કંપનીના ત્રણ કર્મચારીઓ 1 કરોડના બે ટ્રક ટ્રેલર લઈને ભાગી ગયાની ફરિયાદ અમદાવાદમાં નોંધાવવામાં આવી છે. અમદાવાદમાં રહેતા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે પોતાના જ ત્રણ કર
લોજિસ્ટીક કંપનીના ત્રણ કર્મચારીઓ, 1 કરોડના બે ટ્રક ટ્રેલર લઈને ભાગી ગયા


અમદાવાદ,29 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં રહેતા અને ગાંધીધામ થી સંચાલિત લોજિસ્ટીક કંપનીના ત્રણ કર્મચારીઓ 1 કરોડના બે ટ્રક ટ્રેલર લઈને ભાગી ગયાની ફરિયાદ અમદાવાદમાં નોંધાવવામાં આવી છે. અમદાવાદમાં રહેતા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે પોતાના જ ત્રણ કર્મચારીઓ સામે રૂપિયા 1.03 કરોડની કિંમતના બે ટ્રક ટ્રેલર લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે.

કંપનીના બે મેન્ટેનન્સ મેનેજર અને એક ડ્રાઈવરે માલિકની જાણ બહાર વાહનોમાં બારોબાર માલની હેરફેર કરી હતી. ત્યારબાદ જીપીએસ સિસ્ટમ તથા મોબાઈલ ફોન બંધ કરીને બંને ટ્રક સાથે ફરાર થઈ જતા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બોડકદેવમાં રહેતા આકાશ શાહ અમદાવાદમાં સનસ્કાય લોજિસ્ટીક લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. જેનું મેઈન સંચાલન ગાંધીધામથી થાય છે. કંપનીમાં પવનકુમાર પોકરરામ અને દલપતદાન ગઢવી નામના બે વ્યક્તિ ટ્રાન્સપોર્ટ મેન્ટેનન્સનું કામ સંભાળતા હતા અને હનવન્તકુમાર ખેતારામ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.

5 ઓગસ્ટના રોજ 48,50,000ની કિંમતનું કંપનીનું એક ટ્રક ટ્રેલર ઈસ્ટ ગોદાવરી ખાતે માલ ખાલી કરવા મોકલવામાં આવ્યું હતું. પરંતુ ડ્રાઇવરને પારિવારિક ઇમરજન્સી આવતા તે ટ્રક ત્યાં મૂકીને જતો રહ્યો હતો. આ ટ્રક પાછો લાવવા માટે આકાશ ભાઈએ 2 સપ્ટેમ્બરે પવનકુમાર અને દલપતદાનને ઈસ્ટ ગોદાવરી મોકલ્યા હતા.

આ ઉપરાંત બીજું 55,00,000ની કિંમતનું એક ટ્રક ટ્રેલર ડ્રાઇવર હનવન્તકુમાર 9 ઓગસ્ટે ચેન્નઈ લઈને ગયો હતો.

આકાશભાઈએ આ ત્રણેય કર્મચારીઓને બંને ખાલી ટ્રક ટ્રેલર લઈને, પાછા ગાંધીધામ આવવા માટે સૂચના આપી હતી. માલિકની સૂચના મુજબ, ગાંધીધામ પાછા ફરવાના બદલે આ ત્રણેય આરોપીએ ભેગા મળીને બંને ટ્રક ટ્રેલરમાં 10 સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમથી ઔરંગાબાદનો નવો માલ ભરી લીધો હતો અને 14 સપ્ટેમ્બરે ઔરંગાબાદ ખાતે તે સામાન ખાલી કર્યો હતો.

ત્યાંથી ખાલી વાહનો લઈને ગાંધીધામ આવવાના બદલે તેઓ કોઈ સરખો જવાબ આપતા ન હતા અને 15 સપ્ટેમ્બરે સાંજે આશરે બંને વાહનોની જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી. ત્યારબાદ ડ્રાઇવર અને મેનેજરોનો સંપર્ક કરતા તેમના મોબાઈલ ફોન પણ બંધ આવવા લાગ્યા હતા. કંપનીના આ ત્રણેય કર્મચારીએ કુલ રૂપિયા 1,03,50,000 ની કિંમતના બંને ટ્રક ટ્રેલરો પોતાની પાસે રાખી લેતા આકાશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande