





રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, કચ્છમાં 75 સ્થળોએ ઉજવણી સાથે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
કચ્છ, 30 ઓક્ટોબર (હિ.સ.) : ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને ખેતીક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાના આશય સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે કચ્છનો જિલ્લાકક્ષાનો 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' કાર્યક્રમ ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે ગોકુલધામ સમાજવાડી ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશભરના ખેડૂતોને 24મા હપ્તાની સહાયનું વિતરણ કર્યું હતું. આ અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ.18,680 કરોડથી વધુની રકમ સીધી જમા કરવામાં આવી હતી. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાય મળી હતી. જ્યારે કચ્છ જિલ્લાના 1.19 લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ રૂ.23.91 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના બદલાયેલા વિકાસચિત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક સમયે દુષ્કાળગ્રસ્ત તરીકે ઓળખાતો કચ્છ આજે ઉદ્યોગો, રોજગારી અને કૃષિ ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહ્યો છે. ભૂકંપ બાદ થયેલા વિકાસકાર્યોથી જિલ્લામાં મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અને બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિની સહાયથી ખેડૂતોને ખેતીનાં સાધનો અને અન્ય જરૂરી સામગ્રીની ખરીદીમાં આર્થિક મદદ મળી રહી છે. કચ્છમાં ઉદ્યોગો, કૃષિ અને સરહદી ડેરીના વિકાસથી રોજગારીની નવી તકો ઊભી થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં કુલ 75 સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે બાગાયત, પશુપાલન, મિશન મંગલમ અને કૃષિ યોજનાઓના સ્ટોલ પ્રદર્શિત કરાયા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કલેક્ટર અનિલ રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar