
નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસરે કેન્દ્ર સરકારે વર્ષ 2026 માટે 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક'ની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે દેશભરના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના કુલ 490 અધિકારીઓ અને જવાનોને આ પ્રતિષ્ઠિત પદકથી સન્માનિત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સન્માન પોલીસ સેવા, તપાસ, ગુપ્તચર સેવા અને ફોરેન્સિક વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સુરક્ષા અને તપાસ એજન્સીઓમાં બહેતર કાર્ય પ્રદર્શનને પ્રોત્સાહિત કરવું અને ઉત્કૃષ્ટ સેવાઓને ઓળખ આપવાનો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, જારી કરાયેલી અધિસૂચના દ્વારા 'કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક'ની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર હેઠળ પોલીસ અને સુરક્ષા સંગઠનોમાં, અસાધારણ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે. તેમાં રાજ્ય પોલીસ દળો, કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ, વિશેષ ગુપ્તચર શાખાઓ, કેન્દ્રીય પોલીસ સંગઠનો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને આસામ રાઈફલ્સના અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક મુખ્યત્વે ચાર ક્ષેત્રોમાં, ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રદાન કરવામાં આવે છે. પ્રથમ- પોલીસ અને સુરક્ષા દળો દ્વારા વિવિધ અભિયાનોમાં અસાધારણ પ્રદર્શન અને નોંધપાત્ર સિદ્ધિઓ માટે. બીજું- ગંભીર અને જટિલ કેસોની તપાસમાં પ્રશંસનીય કાર્ય કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે. ત્રીજું- કેન્દ્રીય અને રાજ્ય સ્તરે અદમ્ય સાહસ, સમર્પણ અને ઉત્કૃષ્ટ ગુપ્તચર કાર્ય કરનારા કર્મચારીઓ માટે અને ચોથું- કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા સરકારી વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે.
આ પદકની ઘોષણા દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસરે, કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય પોલીસ અને સુરક્ષા વ્યવસ્થામાં વ્યાવસાયિક દક્ષતાને પ્રોત્સાહન આપવાનો છે.
ગૃહ મંત્રાલય અનુસાર, આ સન્માન દ્વારા એવા અધિકારીઓ અને જવાનોના યોગદાનને ઓળખ આપવામાં આવે છે, જેમણે પોતાની ફરજોનું નિર્વહન કરતા વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકનો ઉદ્દેશ્ય પોલીસ અને સુરક્ષા સંગઠનોમાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા, ઉત્કૃષ્ટ સેવાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવી અને અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ વધારવાનો છે.
વર્ષ 2026 માં 490 અધિકારીઓ અને જવાનોને આ સન્માન માટે પસંદ કરવામાં આવવું દેશભરની પોલીસ, સુરક્ષા, તપાસ અને ગુપ્તચર એજન્સીઓમાં કાર્યરત કર્મચારીઓના યોગદાનને રેખાંકિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ