રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો
નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) દેશભરમાં શનિવારે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતિ ઉજવવામાં આવી. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ ક
સરદાર પટેલ


નવી દિલ્હી, 31 ઓક્ટોબર (હિ.સ.) દેશભરમાં શનિવારે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જયંતિ ઉજવવામાં આવી. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશમાં આ દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક મહાનુભાવોએ, રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપ અને દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન દેશના નિર્માણ અને એકીકરણમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમનું અસાધારણ જીવન રાષ્ટ્રીય એકતા, દ્રઢ સંકલ્પ અને નિસ્વાર્થ સેવા શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે દેશ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના મહાન યોગદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરી રહ્યો છે. તેમનો વારસો આજે પણ એકતા અને પ્રગતિની દિશામાં ભારતનું માર્ગદર્શન કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે, તેમણે પોતાનું આખું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને સમર્થ ભારતના નિર્માણ માટે સમર્પિત કરી દીધું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત માતાની સેવામાં સરદાર પટેલનો ત્યાગ અને સમર્પણ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, સરદાર પટેલનું સ્વપ્ન ફક્ત સ્વતંત્ર ભારતનું નિર્માણ કરવાનું નહોતું, પરંતુ એક એવા મજબૂત, આત્મનિર્ભર અને સંગઠિત રાષ્ટ્રની સ્થાપના કરવાનું હતું, જ્યાં વિવિધતા દેશની તાકાત બને અને રાષ્ટ્રીય એકતા તેની ઓળખ હોય. તેમણે કહ્યું કે, સરદાર પટેલની જયંતિ પર ઉજવવામાં આવતો રાષ્ટ્રીય એકતા દિવસ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે દરેક નાગરિકના કર્તવ્યોની યાદ અપાવે છે. તેમણે લોકોને સરદાર પટેલના આદર્શોને અપનાવીને મજબૂત, સમરસ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલનું યોગદાન અને આઝાદી પછી સેંકડો રિયાસતોનું ભારતમાં એકીકરણ તેમના અદમ્ય સાહસ, અટૂટ સંકલ્પ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, સરદાર પટેલનું દૂરંદેશી નેતૃત્વ, અસાધારણ સંગઠનાત્મક ક્ષમતા અને રાષ્ટ્રસેવાની ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરિત કરતી રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમણે પોતાના અદમ્ય સાહસ અને દૂરંદેશીથી રિયાસતોમાં વહેંચાયેલા ભારતને એક સૂત્રમાં પરોવીને સશક્ત રાષ્ટ્રનો પાયો નાખ્યો. તેમણે કહ્યું કે, સરદાર પટેલે અખિલ ભારતીય સેવાઓની સ્થાપના કરીને દેશની વહીવટી વ્યવસ્થાને મજબૂત આધાર આપ્યો. ખેડા અને બારડોલી સત્યાગ્રહ દ્વારા ખેડૂતોના અધિકારો માટે તેમનો સંઘર્ષ જનસેવા અને નેતૃત્વનું બેમિસાલ ઉદાહરણ છે. અમિત શાહે કહ્યું કે, સરદાર પટેલનો ત્યાગ, સમર્પણ અને દેશભક્તિ દરેક નાગરિકને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના નિર્માણ માટે પ્રેરિત કરતી રહેશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સરદાર પટેલને ભારત રત્ન અને લોહપુરુષ ગણાવતા કહ્યું કે, તેમણે પોતાના અડગ સંકલ્પ અને મજબૂત ઈચ્છાશક્તિથી આધુનિક ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર માટે સરદાર પટેલનું યોગદાન અને તેમના આદર્શોમાંથી આવનારી પેઢીઓ સદીઓ સુધી પ્રેરણા લેતી રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી હતા. આઝાદી પછી, દેશની સેંકડો રિયાસતોના એકીકરણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આ જ યોગદાનને કારણે તેમને 'લોહપુરુષ' અને આધુનિક ભારતના શિલ્પકાર તરીકે યાદ કરવામાં આવે છે. તેમની જયંતિ પર ઉજવવામાં આવતો રાષ્ટ્રીય એકતા દિવસ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે સમર્પણનો સંદેશ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande