
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 'રન ફોર યુનિટી'નું ભવ્ય આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી આ એકતા દોડમાં મેયર, ધારાસભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી 'રન ફોર યુનિટી' રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રસ્થાન થઈ સંતોષી માતાના મંદિર થઈ સાત રસ્તા સર્કલ સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત પોલીસ હેડ ક્વાર્ટર આવી પૂર્ણ થઈ હતી. સમગ્ર નિર્ધારિત રૂટ પર સહભાગીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના નારા લગાવી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું.
અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના અતુલ્ય યોગદાન અને તેમની દૃઢ ઇચ્છાશક્તિ તથા રાષ્ટ્રપ્રેમના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ એકતા દોડના માધ્યમથી નાગરિકોમાં સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે ઉપસ્થિત સૌએ વિશેષ શપથ ગ્રહણ કર્યા હતા, જેણે જામનગરમાં રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી રેલીનું પ્રસ્થાન મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી તેમજ પ્રભારી સચિવ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયા અને જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની સહિતના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ એકતા દોડમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના જવાનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સરદાર સાહેબને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt