
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ શહેરને નશામુક્ત બનાવવા અને યુવાધનને માદક પદાર્થોના દૂષણથી બચાવવા માટે શરૂ કરવામાં આવેલા SAY NO TO DRUGS મિશન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે વિશિષ્ટ વોચ ગોઠવીને રૂ. ૨.૩૧ લાખથી વધુની મત્તા સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે.
એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઇન્સપેક્ટર બી. બી. જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી. વી. ધ્રાંગુની રાહબરી હેઠળ ટીમને સંયુક્ત બાતમી મળી હતી. બાતમીના આધારે તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગ સામે કાચા રસ્તા પર મેલડી મા ના મંદિર નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા ઇસમને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની તલાશી લેતા નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
પકડાયેલા આરોપીનું નામ અર્જુન ઉર્ફે અનમોલ મેરામ કોઠીવાર (ઉંમર ૨૮ વર્ષ) છે, જે રાજકોટના મનહરપુર ઢાળ પાસે, યોગરાજનગર સામે આવેલ માનસ એન્કલેવમાં રહે છે. આરોપી પાસેથી ૪૬.૮૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૧,૪૦,૫૫૦ થાય છે. આ ઉપરાંત તેની પાસેથી રૂ. ૪૦,૦૦૦નો વિવો ફોન, રૂ. ૫૦,૦૦૦નું એક્સેસ મોટરસાયકલ (GJ-03-PB-4090), રૂ. ૭૦૦ રોકડા અને આધાર કાર્ડ મળીને કુલ રૂ. ૨,૩૧,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ મામલે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી) અને ૨૧(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કામગીરી દરમિયાન એફ.એસ.એલ. અધિકારી એસ. જે. જોષી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં એન્ટી નાર્કોટીક્સ વિંગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજ રાઠોડ, મૌલિક સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા અને લોકરક્ષક ડ્રાઇવર નરેશ બારૈયા જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ આવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt