મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, મેમનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીની મુલાકાત લીધી
ગાંધીનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા સંચાલિત લાઇબ્રેરીની મુલાકાત લઈ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી. સ્વ. નાનાજી દેશમુખની પ્રેરણા અને સ્વ. પંડિત દીનનદયાળ ઉપાધ્
મુખ્યમંત્રી લાઇબ્રેરીની મુલાકાતે


મુખ્યમંત્રી લાઇબ્રેરીની મુલાકાતે


લાઇબ્રેરીની મુલાકાત


ગાંધીનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા સંચાલિત લાઇબ્રેરીની મુલાકાત લઈ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી.

સ્વ. નાનાજી દેશમુખની પ્રેરણા અને સ્વ. પંડિત દીનનદયાળ ઉપાધ્યાયના વિચારોને આધારે કાર્યરત આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ લાઈબ્રેરી વિશે સંસ્થાના ટ્રસ્ટીઓએ માહિતી આપતાં જણાવ્યું કે, મેમનગર ખાતે તા. ૧૭ જુલાઈ, ૧૯૯૯થી કાર્યરત આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં અહીં ૩,૮૩૪ વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. જેમાં CA/CS, GPSC, મેડિકલ, એન્જિનિયરિંગ તથા જનરલ સહિતનાં વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. લાઇબ્રેરીમાં આધુનિક સુવિધાઓ સાથે એકાઉન્ટિંગ તથા નિયમિત ઓડિટની વ્યવસ્થા ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા નોંધવામાં આવે છે. CCTV કેમેરા સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

બોપલ ખાતે સંસ્થા દ્વારા સંચાલિત લાઇબ્રેરીમાં અત્યાર સુધીમાં ૧,૮૬૬ વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. અહીં કમ્પ્યુટર/આઇટી, MBA, મેડિકલ, એન્જિનિયરિંગ તથા કોમર્સ અને ફાઇનાન્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લાઇબ્રેરીમાં આશરે ૬,૫૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે, જેનો વિદ્યાર્થીઓ ઉપરાંત આસપાસના રહેવાસીઓ પણ લાભ લઈ રહ્યા છે.

દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. મેમનગર લાઇબ્રેરી ખાતે વાનપ્રસ્થ મિલન, સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓનું મિલન, સંવેદના અને સંસ્કાર કેન્દ્ર, ગ્રામ સંપર્ક-ગ્રામ દર્શન કાર્યક્રમ, વૈદિક ગણિતના વર્ગો તથા તજ્જ્ઞોનું માર્ગદર્શન જેવા કાર્યક્રમો યોજાય છે. યોગ, એક્યુપ્રેશર અને બાળ સંસ્કાર કેન્દ્ર જેવી પ્રવૃત્તિઓ પણ નિયમિતપણે યોજાય છે.

પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે વૃક્ષારોપણ, તુલસીનાં રોપાનું વિતરણ અને ફૂલછોડનું વાવેતર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વો, પંડિત દીનનદયાળ જયંતી અને દિવાળી સ્નેહમિલન સહિતના કાર્યક્રમો દ્વારા સામાજિક જાગૃતિનું કાર્ય પણ કરવામાં આવે છે. આ લાઇબ્રેરીથી વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અભ્યાસનું વાતાવરણ મળવાની સાથે જ્ઞાનપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને વધુ વેગ મળશે.

આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વ રસિકભાઈ ખમાર, મોહનભાઇ ચાવડા, પાયલબેન વ્યાસ, જ્યોતિબેન ભાંડારી, ઉત્કંઠભાઈ ભાંડારી, ઉદયભાઈ કારાણી, ચંદ્રકાન્તભાઈ પટેલ, હાર્દિકભાઈ પરીખ સહિત સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande