
રાજકોટ, 04 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોરાટ ચોક નજીકથી પોલીસ યુનિફોર્મ પહેરીને આસપાસના લોકોમાં રોફ જમાવતા એક નકલી પોલીસને પોલીસે ઝડપી પાડ્યો છે. શાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શાપર પોલીસ સ્ટેશનના ASI દિશાબેન જોશી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પારડી બ્રીજ પાસે બાતમી મળી હતી કે, રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર કોરાટ ચોક ખાતે એક શખ્સ ગુજરાત પોલીસનો ડુપ્લીકેટ યુનિફોર્મ પહેરીને રોફ જમાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બપોરે 3 વાગ્યે દરોડો પાડી આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો હતો.
તપાસ દરમિયાન આરોપી હીરો સ્પ્લેન્ડર બાઈક (GJ.03.MP.8123) પર બેઠેલો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ કિશોર મંગાભાઈ સલાટ જણાવ્યુ હતું અને પોતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો. જોકે, કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે પોલીસમાં ન હોવાની કબૂલાત કરી હતી.
આરોપીએ પહેરેલા યુનિફોર્મના ખભા પર 'G.P.'ના સોલ્ડર બેજ, લાનીયાર્ડ, જમણા હાથે ગુજરાત પોલીસનો લોગો અને બેલ્ટ લગાવાયેલા હતા. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને બાઈક મળીને કુલ રૂપિયા 40,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તેની વિરુદ્ધ BNS કલમ 204 તથા 205 મુજબ ગુનો નોંધ્યો છે.
આરોપી કિશોર સલાટ કેટલા સમયથી નકલી પોલીસ બનીને ફરતો હતો અને તેણે આ રીતે કોઈ નાગરિક પાસેથી નાણાં પડાવ્યા છે કે કેમ, તે અંગે શાપર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt