
ભાવનગર/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) આજે સવારે ભાવનગર-તળાજા સોમનાથ હાઈવે આજે ઓક્ટોબરે રક્તરંજિત થયો છે. સવારે 9:45 વાગ્યે ભાવનગર-તળાજા હાઇવે પર ત્રાપજ ગામના પેટ્રોલ પંપ પાસે ઉભેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે બોલેરો ઘૂસી ગઈ હતી જેના અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકો શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બોલેરો એવી જોરદાર ટક્કર મારી હતી કે ટ્રેલર આગળ ધસી ગયું હતું અને હાઈવેની સાઈડમાં વિખરાયેલી લાશો જોવા મળી હતી.
તળાજા તાલુકાના ત્રાપજ ગામ પાસે ટ્રેલરનો ચાલક ચા-પાણી પીવા માટે ઉભો હતો. ત્યારે અચાનક ટ્રેલરની પાછળ બોલેરો ઘૂસી ગઈ હતી. જેના કારણે બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હોવાની માહિતી છે. મૃતકોમાં શિપબ્રેકર જૈન સમાજના આગેવાન જ્યૂભાઈ શાહના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટના તમામ સ્ટાફ હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. બોલેરોનો કચ્ચરઘાણ નીકળ્યો હોવાથી લોખંડના સળિયાની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને આઈસર વાહનમાં ભાવનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા.
મૃતદેહોને લાવવામાં આવતા જ સર ટી હોસ્પિટલ પરિસરનું વાતાવરણ મૃતકના પરિવારજનોના આક્રંદથી ગમગીન થયું.અકસ્માતમાં મૃત્યુ પામેલા પિયુષ બિપિનચંદ્ર શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં પુત્રના 16 ફેબ્રુઆરી, 2027ના લગ્ન હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ