
વડોદરા,06 ઓકટોબર (હિ.સ.) વડોદરાના બાપોદ વિસ્તારમાં બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી કે બે એક્ટિવા મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરીકરી રહ્યા છે. પોલીસની ટીમે તેમને ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો છે. બુટેલગરોએ એક્ટિવાના દરેક ખૂણે-ખૂણામાં દારૂ છુપાવવા માટે એવા અનોખા ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને ‘આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન?’ તેવો સવાલ ઊભો થયો હતો.
ચોરખાનાઓમાંથી એક પછી એક દારૂની બોટલો નીકળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. પોલીસે 91 હજારની કિંમતની 455 દારૂની બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે.
બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી કે બે એક્ટિવા મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી બંને મોપેડને અટકાવ્યા હતા. તપાસમાં મોપેડમાંથી એટલી દારૂની બોટલો નીકળી કે પોલીસ પણ જોતી જ રહી ગઈ હતી. ચોરખાનાઓમાં છુપાવેલા દારૂને શોધતા પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. તપાસ દરમિયાન બંને એક્ટિવામાંથી 91 હજાર રૂપિયાની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદ રાઠવા અને સુનિલ પ્રતાપ રાઠવાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવાનું નામ સામે આવ્યું છે. વડોદરાના ડોડકા ગામના લક્ષ્મી અર્જુન માળીએ દારૂ મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલી રહી છે. પકડેલા બંને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ