
વોશિંગ્ટન, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની સંદેશાવ્યવહાર પ્રણાલીમાં ટેકનિકલ ખામીને કારણે શુક્રવારે આશરે ચાર કલાક દેશભરમાં વિમાનોના ઉડ્ડયન રોકવા પડ્યા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ, સુરક્ષાના કારણોસર દેશભરના વિમાનમથકો પર ઉડ્ડયનો રોકવાનો આદેશ આપ્યો હતો. જોકે ચાર કલાક પછી ઉડ્ડયનો પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
એફએએના આ આદેશ દરમિયાન 8,000 થી વધુ ઉડ્ડયનો રદ થયા અને આશરે 15 લાખ મુસાફરો પ્રભાવિત થયા. સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થતા-થતા શનિવારે પણ મોટી સંખ્યામાં ઉડ્ડયનો રદ કરવા પડ્યા હતા.
ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ દાવો કર્યો છે કે, અત્યાર સુધી કોઈ સાયબર હુમલાના સંકેત નથી અને આ સ્થિતિ 9/11 જેવી નથી. અમેરિકી હોમલેન્ડ સિક્યુરિટી સચિવ માર્કવેન મુલિને જણાવ્યું કે દેશભરના હવાઈ મથકો પર લાગુ કરવામાં આવેલા ગ્રાઉન્ડ સ્ટોપ પાછળ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ કોઈ ખતરો હોવાના સંકેત મળ્યા નથી અને આ દૂરસંચાર વ્યવસ્થામાં આવેલો અવરોધ છે. તેમણે મુસાફરો અને તેમના પરિવારોને સંપૂર્ણ સુરક્ષા અંગે ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકી હુમલા બાદ આ બીજી તક છે જ્યારે દેશભરમાં ઉડ્ડયનોનું સંચાલન એકસાથે વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ