
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), નવી દિલ્હી, 17 નવેમ્બર. પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદ-એ-આઝમ) ના નેતા ચૌધરી સાલિક હુસૈને, પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝને માનહાનિની નોટિસ મોકલી છે. હુસૈને સોમવારે આ જાણકારી આપી હતી. પીએમએલ-ક્યુ નેતા સાલિક હુસૈને આ પહેલા પંજાબ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી મરિયમે તેમને પાંચ અબજ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી હતી. નોટિસમાં સાલિક પાસે પોતાના નિવેદનને પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ચૌધરી સાલિક હુસૈન પાકિસ્તાનની સંઘીય કેબિનેટમાં પ્રવાસી પાકિસ્તાની અને માનવ સંસાધન વિકાસ મંત્રી છે.
ડૉન અખબારના અહેવાલ મુજબ, પીએમએલ-ક્યુ નેતા સાલિક હુસૈને જણાવ્યું કે, તેમણે મરિયમની નોટિસનો જવાબ આપવાની સાથે-સાથે બે નોટિસ પણ મોકલી છે. તેમણે કહ્યું કે, મરિયમ અને પંજાબના માહિતી મંત્રી અઝમા બુખારીને પણ માનહાનિની બે કાયદેસરની નોટિસ મોકલી છે. સાલિકે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, કાયદેસરની નોટિસનો ઔપચારિક જવાબ મોકલી દેવામાં આવ્યો છે. તેમણે ફરીથી દોહરાવ્યું, કાયદેસરની નોટિસ દ્વારા ડરાવવા-ધમકાવવાના પ્રયાસો મને ચૂપ કરી શકતા નથી અને ન તો મને જનહિત અને લોકોના કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા રોકી શકે છે.
તેમણે પોતાના આરોપોને દોહરાવતા કહ્યું, આ પ્રાંત ભારે ગેરવહીવટ અને મોટા પાયે ભ્રષ્ટાચારથી ઝઝૂમી રહ્યો છે. આવા મુદ્દાઓ પર ડરાવવા-ધમકાવવાને બદલે, થોડી આત્મ-સમીક્ષા અને જવાબદારીની જરૂર છે. પીએમએલ-ક્યુ નેતાએ પંજાબ અને પાકિસ્તાનના હિતમાં પારદર્શિતા જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતા ને પણ દોહરાવી. એક્સ પર એક અલગ પોસ્ટમાં સાલિકે જણાવ્યું, આ ઉપરાંત, મેં મારા કાયદાકીય સલાહકાર દ્વારા માનહાનિની બે કાયદેસરની નોટિસ મોકલી છે. એક નોટિસ મરિયમ નવાઝ શરીફને અને બીજી અઝમા ઝાહિદ બુખારીને મોકલવામાં આવી છે.
ગયા અઠવાડિયે એક મુલાકાતમાં સાલિકે કહ્યું કે, તેઓ પંજાબમાં ભ્રષ્ટાચારને લઈને પોતાની અગાઉની વાતો પર અડગ છે. તેમણે મરિયમના નિવેદનોને અયોગ્ય અને નીચલા સ્તરના ગણાવ્યા. તેમણે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે અઝમા બુખારીના તીખા નિવેદનોએ આ વિવાદને વધુ વધારી દીધો છે. સાલિક વતી વકીલ વલીદ ખાલિદ દ્વારા મરિયમને માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ 3 નવેમ્બર, 2024 ના રોજ અટકમાં એક જાહેર ભાષણ દરમિયાન મરિયમ દ્વારા આપવામાં આવેલા ખોટા, પાયાવિહોણા અને માનહાનિ કરનારા નિવેદનોના સંબંધમાં મોકલવામાં આવી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ નિવેદનો કોઈની પ્રતિષ્ઠા પર અયોગ્ય હુમલો છે અને તેને કોઈ પણ કાયદાકીય આધાર વગર આપવામાં આવ્યા અને ફેલાવવામાં આવ્યા છે. તેમાં 'પંજાબ માનહાનિ અધિનિયમ 2024' ની કલમ 2(એચ) અને 3 નો હવાલો આપવામાં આવ્યો છે. નોટિસમાં માંગ કરવામાં આવી છે કે તે મળ્યાના સાત દિવસની અંદર મરિયમ સાલિક પર લગાવેલા આરોપો પાછા ખેંચે અને બિનશરતી માફી માંગે. આ માફી એ જ રીતે પ્રમુખતાથી આપવી જોઈએ, જે રીતે તેમના મૂળ નિવેદનો પ્રકાશિત અથવા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમાં મુખ્યમંત્રીને એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાના નિયંત્રણ હેઠળના ખાતાઓ અને ચેનલો પરથી આ નિવેદનો હટાવી દે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો મરિયમ તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળે, તો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને હરજાના (ખર્ચ અને નુકસાનની ભરપાઈ) ની માંગ કરવામાં આવશે. નોટિસમાં યાદ અપાવવામાં આવ્યું છે કે, 3 નવેમ્બરના પોતાના ભાષણમાં પંજાબના મુખ્યમંત્રીએ ખાસ કરીને સાલિકનું નામ લીધું હતું. તેમણે પંજાબમાં ભ્રષ્ટાચાર અંગે સાલિકની વાતોને એવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, જાણે કે તે માત્ર એટલા માટે કરવામાં આવી હોય કારણ કે સાલિક ગુજરાતમાં પોતાની પસંદગીના ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરાવી શક્યા ન હતા.
નોટિસમાં વકીલે સ્પષ્ટ કર્યું કે, એઆરવાય ન્યૂઝને આપેલી સાલિકની મુલાકાત 25 સપ્ટેમ્બરે રેકોર્ડ કરવામાં આવી હતી અને ચેનલે પોતાની સંપાદકીય નીતિઓ અનુસાર 2 નવેમ્બરે તેના કેટલાક ભાગો પ્રસારિત કર્યા હતા. સાલિકની અગાઉ આપેલી સ્પષ્ટતાને દોહરાવતા વકીલે જણાવ્યું કે, પંજાબ સરકારે 31 ઓક્ટોબરે ગુજરાતના ડેપ્યુટી કમિશનરની બદલી કરી દીધી હતી અને તેમની જગ્યાએ કોઈ બીજા અધિકારીને તૈનાત કરવામાં આવ્યા હતા.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મરિયમના નિવેદનથી ખોટી રીતે એવો સંકેત મળે છે કે સાલિક ગુજરાતમાં પોતાની પસંદગીના ડેપ્યુટી કમિશનર ઈચ્છતા હતા અને જ્યારે તેઓ પોતાની પસંદગીના અધિકારીની નિમણૂક કરાવી શક્યા નહીં ત્યારે તેમણે પંજાબ સરકાર પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવવાનું શરૂ કરી દીધું. પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત પંજાબના વર્તમાન મુખ્યમંત્રી હોવાના નાતે, તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તમે તમારા શબ્દો અને જાહેર નિવેદનો સાથે જોડાયેલા મહત્વ અને જવાબદારીને સમજશો. આટલા ઊંચા પદ પર બેઠેલી વ્યક્તિએ એ વાતનું વધુ ધ્યાન રાખવું જોઈએ કે તેમના નિવેદનોથી બીજાના અધિકારો અને પ્રતિષ્ઠા પર કોઈ ખરાબ અસર ન પડે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ