
મુંબઈ, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). ફિલ્મ 'જોશ'માં જોવા મળી ચૂકેલા અભિનેતા શરદ કપૂર, આ દિવસોમાં સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ફિલ્મ ઉદ્યોગ પાસે કામ અને આર્થિક મદદની અપીલ કરી હતી.
આ દરમિયાન, અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને પ્રશંસકોનો આભાર માન્યો છે. તેમણે પોતાના ચાહકોને ખાતરી આપી કે, તેઓ ટૂંક સમયમાં કામ પર પરત ફરશે. શરદની અપીલ તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે ખરાબ તબિયતના કારણે તેમના ચાર પાલતુ કૂતરાઓને પ્રાણી કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
વિડિયો સંદેશમાં શરદે કહ્યું કે, તેઓ પ્રશંસકોના પ્રેમ અને સમર્થન માટે તેમના આભારી છે. તેમણે સૌનો આભાર માનતા કહ્યું કે તેઓ પોતાનો પ્રેમ આ જ રીતે જાળવી રાખે. અભિનેતાએ ખાતરી આપી કે તેઓ ક્યારેય પોતાના પ્રશંસકોને નિરાશ નહીં કરે. તેમણે કહ્યું, જાન્યુઆરીમાં હું એક રોકસ્ટારની જેમ કામ કરવાનું શરૂ કરીશ અને તેવો જ બનીશ. તેમના આ સંદેશ બાદ પ્રશંસકોએ ખુશી વ્યક્ત કરી અને તેમના જલ્દી પુનરાગમનની કામના કરી.
શરદનો આ વિડિયો 16 નવેમ્બરે મુંબઈમાં અભિનેતા સોનુ સૂદ સાથેની મુલાકાત બાદ સામે આવ્યો છે. બંને કલાકારોની મુલાકાતના અનેક વિડિયો સોશિયલ મીડિયા પર પ્રચલિત થયા છે, જેમાં તેઓ ઉષ્માભેર ગળે મળતા અને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે સોનુ સૂદે શરદને આર્થિક મદદ આપવાની કે પોતાની કોઈ આગામી ફિલ્મમાં કામની તક આપવાની દરખાસ્ત કરી છે કે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ