
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.): ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મુકાબલો આવતીકાલે, એટલે કે 19 નવેમ્બરથી રમાશે. આ મેચ પહેલા યજમાન ટીમના કેપ્ટન ટોમ લેથમે, પોતાની પ્લેઇંગ ઇલેવનને લઈને ટીમની રણનીતિનો ખુલાસો કર્યો છે. આઈસીસીની સત્તાવાર વેબસાઇટ અનુસાર વેલિંગ્ટનમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા લેથમે મીડિયા સાથે વાતચીત કરી.
લેથમના મતે ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટમાં ત્રણ ઝડપી બોલરો અને એક બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાન પર ઉતરશે. ન્યુઝીલેન્ડના કેપ્ટને જણાવ્યું કે, જેકોબ ડફી આ મહત્વપૂર્ણ મુકાબલા માટે ટીમમાં કાઇલ જેમીસન, મેટ હેનરી અને બોલિંગ ઓલરાઉન્ડર નાથન સ્મિથ સાથે જોડાશે. લેથમે કહ્યું કે, અમે ત્રણ ઝડપી બોલરો અને એક બોલિંગ ઓલરાઉન્ડર સાથે રમીશું. અમારી પાસે ઘણા શાનદાર ઝડપી બોલરો છે અને સારી વાત એ છે કે બધા ફિટ થવાના માર્ગ પર છે.
ટીમ સંયોજનને લઈને તેમણે આગળ કહ્યું કે, તે અગાઉથી નક્કી કરવું મુશ્કેલ છે કે ખેલાડીઓ કઈ મેચો રમશે, પરંતુ અમે આ વાતને લઈને લચીલો રસ્તો અપનાવી રહ્યા છીએ કે મેચો દરમિયાન શું થશે અને ખેલાડીઓ પર કેટલો કામનો બોજ (વર્કલોડ) રહેશે. અમે આગામી છ-સાત અઠવાડિયા માટે અમારી યોજનાઓને લચીલી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ દેખીતી રીતે જ અત્યારે અમારું પૂરૂં ધ્યાન આ જ મેચ (ભારત સામેની પ્રથમ ટેસ્ટ) પર છે.
ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન પર રહીને આ મુકાબલામાં ઉતરશે, જ્યારે ભારતીય ટીમ ચોથા સ્થાન પર છે. એવામાં બંને ટીમો માટે આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસના લિહાજથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આગામી વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડના ધ ઓવલ ખાતે આ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ ન્યુઝીલેન્ડે 9 ડિસેમ્બરથી શરૂ થતી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. વર્ષ 2021માં પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતનારી ન્યુઝીલેન્ડની ટીમ ફરી એકવાર ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવવા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
જોકે, કેપ્ટન ટોમ લેથમનું કહેવું છે કે, હાલમાં ટીમનું ધ્યાન ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલ કે ફાઇનલની સંભાવનાઓ પર નહીં, પરંતુ પોતાના પ્રદર્શન પર છે. તેમણે કહ્યું, મારૂં ધ્યાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નથી. અમે તે ચીજો પર ધ્યાન આપીશું, જે આપણા નિયંત્રણમાં છે. અમે આપણી રણનીતિ મુજબ ક્રિકેટ રમીશું અને મેચ જીતવાનો પૂરો પ્રયાસ કરીશું.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ