
બુડાપેસ્ટ, નવી દિલ્હી, 20 નવેમ્બ (હિ.સ.). નેધરલેન્ડના ગ્રાન્ડમાસ્ટર અનીશ ગીરીએ, ટોટલ ચેસ વિશ્વ ચેમ્પિયનશિપ ટૂર પાયલટના ફાઈનલના પ્રથમ દિવસે ઈરાનના અલીરેઝા ફિરોઝાને 11-9 થી હરાવીને સરસાઈ મેળવી લીધી. ગુરુવારે રમાયેલી મેચમાં ગીરીનું બ્લિટ્ઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન નિર્ણાયક સાબિત થયું. બંને ખેલાડીઓ વચ્ચે રેપિડ મેચોમાં એક-એક જીત થઈ, જ્યારે ફાસ્ટ ક્લાસિકલ રમત ડ્રો રહી.
ગિરીને શુક્રવારે કિતાબ જીતવા માટે માત્ર જીત અથવા ડ્રોની જરૂર છે. તો બીજી તરફ, ફિરોઝાએ મુકાબલો સરભર કરીને ટાઇબ્રેક સુધી પહોંચાડવા માટે બીજા દિવસે જીત નોંધાવવી પડશે. બંને દિવસના ગુણ અલગ-અલગ રાખવામાં આવશે. જો બંને ખેલાડીઓ એક-એક દિવસ જીતે છે અથવા બંને દિવસ ડ્રો રહે છે તો આર્માગેડન ટાઇબ્રેકથી વિજેતાનો નિર્ણય થશે.
નોકઆઉટના પ્રત્યેક દિવસે સાત મુકાબલા રમાય છે, જેમાં ચાર બ્લિટ્ઝ, બે રેપિડ અને એક ફાસ્ટ ક્લાસિકલ ગેમ સામેલ છે. બ્લિટ્ઝમાં જીત પર એક, રેપિડમાં ચાર અને ફાસ્ટ ક્લાસિકલમાં આઠ ગુણ મળે છે. ડ્રો થવા પર બંને ખેલાડીઓને અડધા ગુણ આપવામાં આવે છે.
કારુઆનાએ પણ મેળવી સરસાઇ
ત્રીજા સ્થાન માટે રમાઈ રહેલા મુકાબલામાં અમેરિકાના ફેબિયાનો કારુઆનાએ ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવને પહેલા દિવસે 11-9થી હરાવ્યા. કારુઆનાએ શરૂઆતી બંને બ્લિટ્ઝ ગેમ જીતી. તેમણે એક જીત સફેદ અને બીજી કાળા મહોરાંથી નોંધાવી. ત્યારબાદ બાકીની પાંચેય ગેમ ડ્રો રહી. કારુઆનાને ત્રીજું સ્થાન હાસલ કરવા માટે શુક્રવારે જીત અથવા ડ્રોની જરૂર છે.
કાર્લસનની શાનદાર વાપસી
દુનિયાના દિગ્ગજ ખેલાડી મેગ્નસ કાર્લસને 17મા સ્થાનની મેચમાં વ્લાદિસ્લાવ આર્ટેમિવને 11-9 થી હરાવીને દિવસનો અંત જીત સાથે કર્યો. કાર્લસન એક સમયે 3-9 થી પાછળ ચાલી રહ્યા હતા. તેમણે ચારમાંથી ત્રણ બ્લિટ્ઝ રમત જીતી હતી, પરંતુ રેપિડની બંને મેચો ગુમાવી દીધી હતી. ત્યારબાદ ફાસ્ટ ક્લાસિકલ રમતમાં સફેદ મહોરાંથી જીત મેળવીને તેમણે મેચ પોતાના નામે કરી લીધી. આ સ્પર્ધામાં ફાસ્ટ ક્લાસિકલ સ્વરૂપમાં કાર્લસનની આ પ્રથમ જીત રહી.
પાંચમા સ્થાનના મુકાબલામાં હંસ મોકે નીમન-એ જાન-ક્રિજિસ્ટોફ ડૂડાને 13.5-6.5થી હરાવ્યા. નીમન સાતેય ગેમમાં અણનમ રહ્યા. તેમણે શરૂઆતી ત્રણ બ્લિટ્ઝ ગેમ અને પહેલી રેપિડ ગેમ જીતી. બીજી તરફ, 13મા સ્થાનના મુકાબલામાં વેસ્લી સો-એ લેવોન એરોનિયનને 12.5-7.5થી શિકસ્ત આપી.
યજમાન દેશના રિચર્ડ રાપોર્ટ-એ 11મા સ્થાનના મુકાબલામાં જોરડેન વાન ફોરેસ્ટને 11-9થી હરાવ્યા. રાપોર્ટે બ્લિટ્ઝ અને રેપિડ મુકાબલાઓ પછી 11-1ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. ત્યારબાદ તેમણે ફાસ્ટ ક્લાસિકલ ગેમ છોડી દીધી, જેથી દિવસનો અંતિમ સ્કોર 11-9 રહ્યો.
ભારતીય ખેલાડીઓનું મિશ્ર પ્રદર્શન
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે 21મા સ્થાનના મુકાબલામાં અભિમન્યુ મિશ્રાને 12-8થી હરાવીને સારી શરૂઆત કરી. બ્લિટ્ઝ મુકાબલા 2-2થી સરભર રહ્યા. ત્યારબાદ પ્રજ્ઞાનંદે પહેલી રેપિડ ગેમ જીતી અને બાકીના બંને મુકાબલા ડ્રો કરાવ્યા.
બીજી તરફ, નવમા સ્થાનના મુકાબલામાં અર્જુન એરિગૈસીને આર્મેનિયાના હાઇક માર્તિરોસ્યાન સામે 5.5-14.5થી હારનો સામનો કરવો પડ્યો. અર્જુને શરૂઆતી ત્રણ બ્લિટ્ઝ ગેમ જીતી અને ચોથી ડ્રો કરાવી હતી. જોકે, માર્તિરોસ્યાને રેપિડમાં એક જીત અને એક ડ્રો સાથે વાપસી કરી. ત્યારબાદ તેમણે કાળા મહોરાંથી ફાસ્ટ ક્લાસિકલ ગેમ જીતીને દિવસનો મુકાબલો પોતાના નામે કરી લીધો.
ભારતીય ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુને 23મા સ્થાનના મુકાબલામાં નોદિરબેક અબ્દુસત્તોરોવ સામે 4-16થી હાર ભોગવવી પડી.
અન્ય મુકાબલાના પરિણામો
* પાંચમાથી આઠમા સ્થાનના મુકાબલામાં ઇયાન નેપોમ્નિયાચી-એ લેઇમ લે-ને 14-6થી હરાવ્યા.
* નવમાથી 12મા સ્થાનના મુકાબલામાં હાઇક માર્તિરોસ્યાને અર્જુન એરિગૈસીને 14.5-5.5થી હરાવ્યા.
* 13માથી 16મા સ્થાનના મુકાબલામાં વિન્સેન્ટ કીમરે શાખરિયાર મામેદ્યારોવને 14.5-5.5થી શિકસ્ત આપી.
* 17માથી 20મા સ્થાનના મુકાબલામાં એન્ડ્ર્યૂ હોંગે બિબિસારા અસ્સાઉબાયેવાને 15-5થી હરાવ્યા.
* 21માથી 24મા સ્થાનના મુકાબલામાં નોદિરબેક અબ્દુસત્તોરોવે વૈશાલી રમેશબાબુને 16-4થી હરાવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ