
પોરબંદર , 21 નવેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડનં. 5 અને 6 ના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી ઓછા દબાણથી પાણી મળવાની સમસ્યાને પગલે નવી ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની માંગ ઉઠી છે. વોર્ડ નં. 5ના કોર્પોરેટર ધર્મેશ પરમારે મહાનગરપાલિકામાં રજૂઆત કરીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલલાવવા નવી ટાંકીનું નિર્માણ કરવા માંગ કરી છે.
ઝુંડાળા, જીનપ્રેસ વિસ્તાર, મિલપરા, કુંભારવાડા, ઠક્કર પ્લોટ, કોળીવાડ, મહારાજબાગ અને ખાખચોક સહિતના વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી ન મળતું હોવાથી સ્થાનિક રહેવાસીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં નિયમિત અને પૂરતા દબાણથી પાણી મળી રહેતે માટે પાણી પુરવઠાની વ્યવસ્થામાં સુધારો કરવો જરૂરી બન્યો છે.
ધર્મેશ પરમારે રજૂઆતમાં વૈકલ્પિક સ્થળ તરીકે ખડપીઠ વિસ્તાર અથવા પોરાય માતાના મંદિર પાછળ આવેલી વિશાળ જગ્યા માંથી યોગ્ય સ્થળ પસંદ કરી ઓવરહેડ ટાંકી બનાવવાનું સૂચન કર્યું છે. આ માટે ટેકનિકલ સર્વેક્ષણ કરીને ટાંકીની જરૂરી ક્ષમતા, પાણીનો સંગ્રહ અને વિતરણ વ્યવસ્થાનું આયોજન કરવા પણ માંગ કરવામાં આવી છે.
નવી ઓવરહેડ ટાંકીનું નિર્માણ થાય તો સંબંધિત વિસ્તારોમાં પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થવાની સાથે પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં મદદ મળી શકે છે. હવે મહાનગરપાલિકા આ રજૂઆતને ધ્યાને લઈને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેવાં પગલાં ભરે છે તે જોવું રહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya