
સુરત, 21 નવેમ્બર (હિ.સ.): નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ આર.એલ. ગુપ્તાના માર્ગદર્શન હેઠળ હજીરા-ભાઠા રોડ સ્થિત નિર્મલાબા પ્રાણજીવન ભગત પ્રેરિત વૃદ્ધાશ્રમ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
NALSA સિનિયર સિટીઝન સ્કીમ-2016 તથા વિવિધ સરકારી યોજનાઓના લાભો સમાજના વરિષ્ઠ નાગરિકો સુધી સરળતાથી પહોંચે તેમજ તેમને જરૂરી કાનૂની સહાય ઉપલબ્ધ થાય તેવા હેતુથી યોજાયેલી આ શિબિરમાં વડીલો સાથે સંવાદ યોજી તેમના અધિકારો અને સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં પેરાલીગલ વોલન્ટિયર (PLV) દીપક જયસ્વાલે વડીલોને સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની પ્રક્રિયા, વૃદ્ધ સહાય, વિધવા સહાય સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરવાની પદ્ધતિ અને તેના લાભો ક્યાંથી તથા કેવી રીતે મેળવી શકાય તે અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી.
આ ઉપરાંત, વડીલોને કોઈપણ પ્રકારની કાનૂની સમસ્યા કે મુશ્કેલી હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક કાનૂની સહાયનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. વડીલોના કાનૂની અધિકારો, તેમના હિતોના રક્ષણ અને કાનૂની સેવાઓ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં, વડીલોની સહાય માટે કાર્યરત એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 તથા NALSA હેલ્પલાઇન નંબર 15100 અંગે માહિતી આપી જરૂરિયાતના સમયે આ સેવાઓનો ઉપયોગ કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વૃદ્ધાશ્રમના સંસ્થાના પ્રતિનિધિ સૂર્યાબેન અને ઈશ્વરભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડીલોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના જવાબ આપી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે