
બોટાદ, 23 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના સમઢિયાળા નંબર-૨ ગામમાં ગ્રામજનોને આધુનિક સુવિધાઓ મળી રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી ગ્રામ પંચાયત દ્વારા સતત વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ગામમાં હાઇટેક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત પાણીની સમસ્યાના નિરાકરણ, પેવર બ્લોકના રસ્તાઓ સહિત ગ્રામજનોની સુખાકારીને લગતાં વિવિધ કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સમઢિયાળા નં. ૨ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ ધાર્મિક શેટા અને તેમની ટીમ દ્વારા ગામના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પંચાયત દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગામના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે ઉકેલ આવે તે માટે પ્રયાસો કરવાની સાથે જરૂરિયાત મુજબ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો અને સંબંધિત અધિકારીઓ સમક્ષ ગામની સમસ્યાઓ રજૂ કરી તેના યોગ્ય નિરાકરણ માટે સતત મહેનત કરવામાં આવી રહી છે.
ગામના રસ્તાઓ, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને અને ગ્રામજનોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પંચાયતનો મુખ્ય ઉદ્દેશ છે. ગ્રામજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતી આ વિકાસલક્ષી કામગીરીથી સમઢિયાળા નં. ૨ ગામને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA