
ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવા માટે પૂર્વ વિસ્તારના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડ્યાના હસ્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રે રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવતી કામગીરી તથા સમાજસેવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી વતી સંસ્થાના હોદ્દેદારો ડો. મિલનભાઈ દવે અને સુમિતભાઈ ઠક્કરે સન્માનનો સ્વીકાર કર્યો હતો.
રેડક્રોસ સોસાયટી દ્વારા વર્ષ દરમિયાન સતત મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો તેમજ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ સહિત અંદાજે 45 જેટલી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત થેલેસેમિયા પરીક્ષણની સેવા પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને થેલેસેમિયા પરીક્ષણ સેવા તેમજ મહિલાઓ અને નગરજનો માટે શરૂ કરવામાં આવેલી કેન્સર સ્ક્રીનિંગ વેનની કામગીરીને બિરદાવી હતી. આરોગ્ય જાગૃતિ, રોગોના વહેલા નિદાન અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં રેડક્રોસની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA