
ભાવનગર, 23 નવેમ્બર (હિ.સ.) : રમતગમત ક્ષેત્રે ભાવનગર જિલ્લાના ખેલાડીઓએ વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. પંજાબના રૂપનગર ખાતે યોજાયેલી 21મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ-2026માં ભાવનગરના 10 ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ભાવનગરના ખેલાડીઓએ પોતાની રમતકુશળતા, શિસ્ત અને ટીમવર્કના આધારે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ સફળતા પાછળ ખેલાડીઓની લાંબા સમયની મહેનત અને નિયમિત ત્રણથી છ કલાકની સઘન પ્રેક્ટિસ રહેલી છે.
સ્પર્ધામાં ખેલાડી અને કોચ તરીકે જવાબદારી નિભાવતા મુકેશભાઈ ડાભીએ પણ સિલ્વર મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ નોંધનીય છે કે મેડલ જીતનારા 10 ખેલાડીઓમાંથી પાંચ ખેલાડીઓ સરકારી કર્મચારી છે. નોકરીની જવાબદારીઓ સાથે રમત માટે સમય ફાળવી રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવી અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
મેડલ વિજેતા ખેલાડીઓમાં મુકેશ ડાભી, પ્રદીપ બાંભણિયા અને હાર્દિક સાથિયાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. જગદીશ વેગડે બ્રોન્ઝ, જ્યારે સંજય મકવાણા, જીગ્નેશ મકવાણા, અજય ગોહિલ અને દર્શિતા લાઠિયાએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. માહી લાઠિયાએ ગોલ્ડ અને સિલ્વર તથા આરતી ગોહિલે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ભાવનગરના ખેલાડીઓની આ સિદ્ધિથી રમતગમત ક્ષેત્રે આનંદની લાગણી ફેલાઈ છે. તેમની સફળતા જિલ્લાના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA