
સુરત, 27 નવેમ્બર (હિ.સ.) : સુરત અને મુંબઈમાં આવકવેરા ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા વહેલી સવારથી મોટા પાયે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત 'અકાય ઈન્ડસ્ટ્રીઝ' તથા 'શ્રી અરિહંત ડાયકેમ' સાથે જોડાયેલા અનેક સ્થળોએ તપાસ ચાલી રહી છે, જેના કારણે ઉદ્યોગ જગતમાં હલચલ મચી ગઈ છે.
આ કાર્યવાહીમાં બંને શહેરોના 80થી વધુ અધિકારીઓની ટીમો જોડાઈ છે. શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટરો મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાનો, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સવારે 9:30 વાગ્યા સુધીની વિગતો મુજબ, અધિકારીઓ દ્વારા દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન મોટા પાયે બિનહિસાબી અથવા બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે