
નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.) અભિનેત્રી રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ 'મૈસા'નું પહેલું ગીત 'ઓ મૈસા રે' રિલીઝ થઈ ગયું છે. ગીતમાં રશ્મિકા ખૂબ જ દમદાર અને આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો તીવ્ર તાંડવ શૈલીનો નૃત્ય, શાનદાર હાવભાવ અને દમદાર કોરિયોગ્રાફી ગીતનું ખાસ આકર્ષણ છે.
આદિવાસી પરિવેશમાં ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં અભિનેત્રીનો અત્યાર સુધીનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. જેક્સ બિજોયે તેને સંગીતબદ્ધ કર્યું છે. ગીતમાં દમદાર તાલ સાથે આદિવાસી સંગીતનો સુમેળ સંભળાય છે, જે ફિલ્મના માહોલને પ્રભાવશાળી બનાવે છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછીથી જ તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દમદાર એક્શન, મોટા પાયે ફિલ્માવવામાં આવેલા દ્રશ્યો અને વાર્તાના ભાવનાત્મક પાસાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 'મૈસા'ની વાર્તા આદિવાસી વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં એક પિતા અને પુત્રીના સંબંધને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ભારતીય સિનેમામાં અત્યાર સુધી ઘણી મોટી એક્શન ફિલ્મોમાં માતા-પુત્રના સંબંધને દર્શાવવામાં આવ્યો છે, પરંતુ આ ફિલ્મ પિતા-પુત્રીના ભાવનાત્મક જોડાણને એક્શન સાથે રજૂ કરવાનો પ્રયાસ કરશે.
અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન રવીન્દ્ર પુલ્લેએ કર્યું છે. 'મૈસા'ને એક ભાવનાત્મક એક્શન થ્રિલર તરીકે તૈયાર કરવામાં આવી છે, જેમાં રશ્મિકા એક મજબૂત અને નીડર પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં એક્શન સાથે પારિવારિક સંબંધો અને આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ