
જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શનિવાર 7 નવેમ્બરથી શરૂ થતી દીપોત્સવી ઉજવણી દરમિયાન શનિવારથી મંગળવાર સુધી ભાવિકો માટે વિવિધ દર્શનના સમયમાં ફેરફાર રહેશે. મંદિર વહીવટદાર દ્વારા આ ફેરફાર અંગેની સત્તાવાર જાહેરાત કરીને યાદી જાહેર કરવામાં આવી છે.
દીપોત્સવી પર્વની શરૂઆતે શનિવારે ધનતેરસના દિવસે દર્શનનો સમય રાબેતા મુજબ જ રહેશે. તહેવારની શરૂઆતના પ્રથમ દિવસે દર્શનના નિત્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેથી શ્રદ્ધાળુઓ નિયમિત સમયે દર્શનનો લાભ લઈ શકશે.
ત્યારબાદ રવિવારે રૂપ ચતુર્દશી અને દિવાળી નિમિત્તે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થશે. આ દિવસે સવારે 7 થી 8 વાગ્યા સુધી સ્નાન વિધિ માટે દર્શન બંધ રહેશે, જ્યારે બપોરે 1 વાગ્યે દર્શન અનોસર થશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન, રાત્રે 8:15 વાગ્યે હાટડી દર્શન અને રાત્રે 9:45 વાગ્યે શયન દર્શન યોજાશે.
સોમવારે અન્નકૂટ ઉત્સવ અને ગોવર્ધન પૂજા નિમિત્તે સવારે 6 વાગ્યે મંગળા આરતી તથા 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા બાદ બપોરે 1 વાગ્યે દર્શન બંધ થશે. સાંજે 5 થી 7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન ખુલ્લા રહેશે અને રાત્રે 9:45 વાગ્યે શયન દર્શન થશે. નૂતન વર્ષે સવારે 7 વાગ્યે મંગળા આરતી થશે અને ભાઈબીજથી તમામ દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. દર્શનનો લાભ સોશિયલ મીડિયા પરથી પણ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt