
- આત્મહત્યાની આશંકા સાથે પોલીસ તપાસ તેજ
કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ભુજ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભુજ નજીક પાયરકા ગામની સીમમાં આવેલી એક વાડીમાં રખોપું કરી રહેલા 27 વર્ષીય યુવકનું ગોળી વાગવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે પોલીસ દ્વારા બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતકની ઓળખ કાદર હાસમ જત તરીકે થઈ છે, જે ભુજની ભાગોળે આવેલા કોડકી ગામનો રહેવાસી હતો. તે પાયરકા ગામની સીમમાં આવેલી વાડીમાં રખોપું કરવાનું કામ કરતો હતો. દરમિયાન મોડી રાત્રે અંદાજે 12:30થી 1 વાગ્યાની આસપાસ તેને માથાના ભાગે દેશી બંદૂકની ગોળી વાગવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા કાદરને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાન વયે થયેલા આ અચાનક મોતના સમાચારથી તેના પરિવારજનો અને કોડકી ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઘટનાની જાણ થતાં માનકૂવા પોલીસ હરકતમાં આવી હતી અને બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન યુવકનું મોત આત્મહત્યાના કારણે થયું હોવાની શક્યતા પણ તપાસના દાયરામાં રાખવામાં આવી રહી છે. જોકે, બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળની પરિસ્થિતિ, દેશી બંદૂક અને અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. માનકૂવા પોલીસ સ્ટેશનના PSI ઘાસુરા સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. યુવકનું મોત ખરેખર આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર ગોળી છૂટી હતી, તે સહિતના તમામ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar