
- કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક મુંદરા પોલીસની કાર્યવાહી; 39.93 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો.
કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે મુંદરા પોલીસને વધુ એક સફળતા મળી છે. મુંદરા શહેરમાં આવેલા કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સની બાજુમાંથી મેફેડ્રોન નામના પ્રતિબંધિત માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત બોલેરો ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5,19,890નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક વિગતો અનુસાર, મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સની હેરફેર અથવા કબજાની શંકાને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મારવા વાડી વિસ્તાર, ઝરપરા ગામના રહેવાસી ગોપાલભાઈ રામભાઈ મીંઢાણી, ઉંમર વર્ષ 42, પોલીસના હાથે ઝડપાયા હતા. તેમની પાસેથી તપાસ દરમિયાન મેફેડ્રોનનો જથ્થો મળી આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 39.93 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની અંદાજિત કિંમત રૂ.1,09,890 હોવાનું જણાવાયું છે, તે કબજે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપી પાસેથી GJ-12-CT-4986 નંબરની બોલેરો ગાડી, જેની કિંમત રૂ.4 લાખ આંકવામાં આવી છે, તેમજ રૂ.10 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, માદક પદાર્થ સહિત વાહન અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.5,19,890નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છમાં નશીલા પદાર્થો સામે પોલીસની સતત સતર્કતા વચ્ચે મુંદરા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar