
જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓમાં વાહન ફાળવણી મુદ્દે ભારે અસંતોષ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. સત્તાધીશ પક્ષ ભાજપના જ હોદ્દેદારો દ્વારા પોતાના તેમજ અન્ય વિસ્તારોની મુલાકાત માટે સરકારી વાહનો ફાળવવાની માંગણી ઉઠી રહી છે. ખાસ કરીને ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેન જેવા મહત્વના હોદ્દા ધરાવતા પ્રતિનિધિઓને નિયમ મુજબ ગાડીઓ ન મળતા આંતરિક વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે.
જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષનું પદ અત્યંત મહત્વનું ગણાય છે, છતાં તેઓને સરકારી નિયમોનુસાર ગાડી ફાળવવામાં આવી નથી. આવી જ પરિસ્થિતિ ઉપપ્રમુખ અને ન્યાય સમિતિના ચેરમેનની પણ છે, જેમને પોતાના મતવિસ્તાર કે અન્ય વિસ્તારોના પ્રવાસે જવા માટે મહિનામાં એક વાર પણ વાહન ઉપલબ્ધ થતું નથી. મહત્વના હોદ્દાઓ પર બિરાજમાન હોવા છતાં સરકારી વાહનોના અભાવે સામાન્ય કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન અને આરોગ્ય સમિતિના ચેરમેનને તેમના સંબંધિત વિભાગો તરફથી વાહનોની સુવિધા મળી રહી છે. પરંતુ ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના ચેરમેન આ સુવિધાથી વંચિત હોવાથી પંચાયતના વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ જાગી છે. આ મુદ્દે વંચિત હોદ્દેદારો દ્વારા કારોબારી સમિતિના ચેરમેન સમક્ષ સત્તાવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.
સરકારી વાહનની ફાળવણી ન થવાનો આ પ્રશ્ન આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા (જનરલ બોર્ડ)માં ગાજે તેવી પૂરેપૂરી શક્યતા છે. પોતાની જ સરકાર અને પંચાયત શાસન સામે સત્તાધારી ભાજપના જ ચૂંટાયેલા સભ્યો દ્વારા આગામી બોર્ડ બેઠકમાં વાહન ફાળવણી સહિતના પ્રશ્ને રજૂઆતોનો સૂર ઉઠાવવામાં આવે તો નવાઈ નહીં.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt