રાજકોટ ડિવિઝનના જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ, 122 કિમીની ઝડપે ટ્રેન દોડી
રાજકોટ–કાનાલુસના 111 કિલોમીટરમાંથી 96 કિમીનું કાર્ય પૂર્ણ, 100 કિમી/કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે મંજૂરી રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ રાજકોટ–કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટમાં જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શનના
જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ


- રાજકોટ–કાનાલુસના 111 કિલોમીટરમાંથી 96 કિમીનું કાર્ય પૂર્ણ, 100 કિમી/કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે મંજૂરી

રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) :

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ રાજકોટ–કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટમાં જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શનના 11.804 કિલોમીટર લાંબા ડબલિંગ કાર્યને સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું છે. નવી ડાઉન મેઇન લાઇન પર 122 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહ્યો છે. આ સાથે કુલ 111 કિલોમીટર લાંબા રાજકોટ–કાનાલુસ પ્રોજેક્ટમાં 96 કિલોમીટરનું ડબલિંગ પૂર્ણ થયું છે.

રેલવે સુરક્ષા કમિશનર (પશ્ચિમ સર્કલ, મુંબઈ) દ્વારા હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ બાદ નવનિર્મિત લાઇન પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનોના સંચાલન માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. નિરીક્ષણ દરમિયાન અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) અને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મંજૂરીથી આ રેલ સેક્શન પર ટ્રેન વ્યવહાર વધુ સુચારુ બનશે.

જામવંથલી–અલિયાબાડા ડબલિંગ અંતર્ગત આધુનિક રેલ માળખાના નિર્માણ માટે મોટા પાયે કામગીરી કરવામાં આવી છે. જેમાં 11.804 કિલોમીટર નવી રેલલાઇન પાથરવા ઉપરાંત 24 નવા ટર્નઆઉટ સ્થાપિત કરાયા છે અને 10 જૂના ટર્નઆઉટ દૂર કરાયા છે. માળખાકીય મજબૂતી માટે 1.2 લાખ ઘનમીટર માટીકામ, 0.40 લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ લેયર અને 0.36 લાખ ઘનમીટર કપચી (બેલાસ્ટ) પાથરવામાં આવી છે.

આ રેલખંડ પર જળપ્રવાહ અને વાહન વ્યવહાર જાળવી રાખવા માટે 108 મીટર જળમાર્ગ ક્ષમતા ધરાવતા 1 મોટા પુલ અને 16 નાના પુલોનું નિર્માણ કરાયું છે. તેમજ 6 રેલવે ફાટકોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે 3 નવા હાઇ-લેવલ પ્લેટફોર્મ, 2 નવા ફૂટ ઓવરબ્રિજ અને અલિયાબાડા સ્ટેશન ખાતે નવા સ્ટેશન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે 2 નવી લૂપ લાઇન અને લાંબી માલગાડીઓ માટે 1 વિશેષ લાઇન તૈયાર કરવામાં આવી છે. સમગ્ર નવનિર્મિત ટ્રેકનું ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમ સાથે કમિશનિંગ કરાયું છે. આ ડબલિંગથી રાજકોટ–કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતા વધશે, પરિચાલન કાર્યક્ષમતા સુધરશે અને ભવિષ્યના ટ્રાફિકની માંગને પહોંચી વળવામાં મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande