ઢાકાના મીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં બીજીપીની 33 પ્લાટૂન તૈનાત, પરિસ્થિતિ પર નિયંત્રણનો દાવો
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). દેશની રાજધાની ઢાકાના મીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિસ્થિતિમાં સુધારાના આંશિક સંકેતો છે. સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીપી)ની 33 પ્લાટૂનને તૈનાત કરી છે. અહીંના કર્મચારીઓ
ઢાકા ના અશાંત વિસ્તારમાં પોલીસ અને એસઆરબીના જવાનો


ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). દેશની રાજધાની ઢાકાના મીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિસ્થિતિમાં સુધારાના આંશિક સંકેતો છે. સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીપી)ની 33 પ્લાટૂનને તૈનાત કરી છે. અહીંના કર્મચારીઓ એક સપ્તાહથી વધુ સમયથી લઘુત્તમ માસિક વેતન 30,000 ટાકા કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગુરુવારે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. રસ્તાઓ પર ચારેય બાજુ પોલીસ અને એસઆરબીના જવાનો જ જોવા મળ્યા. પ્રશાસને પરિસ્થિતિ પર નિયંત્રણનો દાવો કર્યો છે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આઠ દિવસની અશાંતિ પછી ગુરુવારે કાપડ ઉદ્યોગના આંદોલનકારી કર્મચારીઓ શાંત દેખાયા. મીરપુર ઔદ્યોગિક ક્ષેત્રના સાવર, ગાઝીપુર અને નારાયણગંજના કારખાનાઓમાં ઉત્પાદન ફરી શરૂ થઈ ગયું છે. જોકે, અશુલિયામાં છૂટાછવાયા વિરોધ પ્રદર્શનોને કારણે 70 ફેક્ટરીઓમાં કામ બંધ કરવું પડ્યું છે. અશુલિયામાં કર્મચારીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને તેમની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી.

પ્રશાસને સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે બીજીપીની 33 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. સરકારે વેતનની સમીક્ષા માટે એક વેજ બોર્ડ બનાવ્યું છે. નવો પગાર ધોરણ ડિસેમ્બરથી લાગુ કરવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, પ્રસ્તાવિત વધારાની રકમની જાહેરાત હજુ બાકી છે. મીરપુર ઔદ્યોગિક ક્ષેત્ર ઘણું મોટું છે. આ વિસ્તાર ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારો અને અનેક પોલીસ અધિક્ષકોના નિયંત્રણમાં હોય છે.

પોલીસ અધિક્ષક મોમિનુલ ઇસ્લામ ભુઇયાએ જણાવ્યું કે, તેમના અધિકાર ક્ષેત્રમાં 1,863 ફેક્ટરીઓ છે. તેમાંથી 70 ફેક્ટરીઓએ રજા જાહેર કરી છે. બાકીની ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે કેટલીક જગ્યાએ થયેલી ગડબડ છતાં, એકંદરે પરિસ્થિતિ સ્થિર છે. જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે મોડી સાંજે પ્રદર્શનકારી કર્મચારીઓએ અબ્દુલ્લાપુર-બૈપેલ રોડને બ્લોક કરી દીધો હતો. જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ આવ્યો. આ પછી જામગોરામાં અથડામણો થઈ. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો.

બીજીપી મુખ્યાલય મુજબ, મીરપુરમાં ત્રણ પ્લાટૂન, સાવર અને અશુલિયામાં 11, ગાઝીપુરમાં 12 અને નારાયણગંજમાં સાત પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

ડિટેક્ટિવ બ્રાન્ચે મંગળવારે મીરપુર-11માં પોલીસ પર થયેલા હુમલાના સંબંધમાં આઠ વધુ લોકોની ધરપકડ કરી છે. સરકારે નાયબ કમિશનર મોહમ્મદ અખ્તર હુસૈનને હિંસાની તપાસ કરવાની જવાબદારી સોંપી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande