
વોશિંગ્ટન, નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.). અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ ખાસ અવસરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના લોકો સાથે ઓવલ ઓફિસમાં દિવાળી ઉજવી. સમારોહ દરમિયાન પરંપરાગત રીતે દીવા પ્રગટાવવામાં આવ્યા. આ ઉપરાંત, ભારતીય ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલે રાષ્ટ્રપતિ ટ્રમ્પને હનુમાન ચાલીસાની એક નકલ ભેટ આપી. આ આયોજનમાં ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓની ખાસ ઝલક જોવા મળી.
ભારતીય ટેક ઉદ્યોગપતિ અને જીઓક્યુઆઈઆઈના સ્થાપક વિશાલ ગોંડલે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સમારોહની તસવીરો અને પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિવાળી ઉજવવી તેમના માટે સન્માનની વાત છે. આ અવસરે તેમણે ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટ આપી, જેનો પાઠ કરોડો લોકો હિંમત, ભક્તિ અને શક્તિની પ્રેરણા માટે કરે છે.
ગોંડલે જણાવ્યું કે, જ્યારે ઓવલ ઓફિસમાં દીવા પ્રગટાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રાર્થના કરી. આ સાથે જ તેમણે દુનિયામાં શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી.
વિશાલ ગોંડલે પોતાના સંદેશમાં ભારતીય પરંપરાના લોકપ્રિય આશીર્વાદ 'જુગ-જુગ જીઓ'નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, તેનો અર્થ એ છે કે વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ અને સુખી જીવન જીવે. તેમણે દિવાળીના અવસરે આખી દુનિયાના લોકો માટે શાંતિ અને ખુશહાલીની કામના કરી.
વ્હાઇટ હાઉસમાં આયોજિત આ દિવાળી સમારોહમાં જાણીતા મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્ના અને કેનેડાના પૂર્વ સાંસદ રૂબી ઢલ્લા સહિત ભારતીય મૂળની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ. સૌએ સાથે મળીને રોશનીના આ પર્વનો ઉત્સવ ઉજવ્યો.
ઓવલ ઓફિસમાં દિવાળીનું આ આયોજન, ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. આ સમારોહ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પરંપરાઓ, આસ્થા અને સાંસ્કૃતિક વારસાની સુંદર ઝલક જોવા મળી.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ