

- 9 હજાર મકાનનો ડ્રો કરી જાહેરસભાને સંબોધશે, 1024 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત.- અંદાજિત 464 કરોડના ખર્ચે તૈયાર કરાયો 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો 6 -લેન એલિવેટેડ કોરિડોર
નૂતન વર્ષારંભ પૂર્વે શહેરીજનોને મોટી ભેટ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
અમદાવાદ, 09 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ મંત્રી અશ્ચિત શાહે અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરવાના છે, તે પહેલા આજે સોમવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં 1,024 કરોડના વિવિધ 30 વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે. અમદાવાદ મનપાના હાઉસિંગ અને વોટર પ્રોજેક્ટ્સ સહિતની શહેરી સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે પહોંચી 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.3 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.
ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા અંદાજિત 464 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6 -લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને 7 થી 14 મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ બાદ અમિત શાહ જોધપુર ખાતે નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમિત શાહ વાડજમાં રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની મુલાકાત લેશે. આ કાર્યક્રમો બાદ રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે અને જાહેર સભાને સંબોધશે.
ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ