

પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણમાં રહેતા એક યુવકના દોઢ વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર પરિચય બાદ થયેલા લગ્નમાં વિવાદ સર્જાયો છે. 19 ફેબ્રુઆરીની રાત્રે પત્ની એ રાજકોટ મીટિંગનું બહાનું બનાવી મોડી રાત્રે ઘરેથી નીકળવાનો આગ્રહ કર્યો અને પરિવારના વિરોધ છતાં બહાર ઉભેલી નંબર પ્લેટ વગરની સફેદ ફોર્ચ્યુનર કારમાં બેસી ગઈ.
પત્ની જતાં પતિએ તપાસ કરતાં કબાટમાંથી સોનાની લકી, બે વીંટી અને ચેઈન ગાયબ હોવાનું જાણવા મળ્યું. શંકા જતા પતિએ મિત્રો સાથે ડસ્ટર કારમાં ફોર્ચ્યુનરનો પીછો શરૂ કર્યો.
મહેસાણા પાંચોટ બાયપાસ નજીક પત્ની સાથે ફોન પર વાતચીત ચાલી રહી હતી ત્યારે જ ફોર્ચ્યુનર નજરે પડી. મહેસાણા શહેરના અંડરબ્રિજ પાસે ટ્રાફિકને કારણે પતિ ગાડીમાંથી ઉતરી ફોર્ચ્યુનરને રોકવાનો પ્રયાસ કર્યો.
આરોપ મુજબ ગાડી ચલાવતા મિત પરમાર ઉર્ફે મિતરાજે કાર ઉભી રાખવાને બદલે પતિને ટ્રક બાજુ દબાવી નીચે પાડી દીધો, જેમાં તેને ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.
તપાસમાં સામે આવ્યું કે પત્ની સાથે આવેલો રાજવીર અને ગાડી ચાલક મિતરાજ અગાઉ એક હોટલમાં રોકાયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું પણ જણાવાયું છે.
યુવકે રાજવીર અને મિતરાજ વિરુદ્ધ ઇજા પહોંચાડી ભાગી જવાના ગુનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદી મુજબ આરોપીની ગાડી પર “ભાજપ મહામંત્રી” લખેલું બોર્ડ લાગેલું હતું અને મિતરાજ કોઈ હોદ્દા સાથે સંકળાયેલ હોવાની પણ માહિતી મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ