
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ 'અતિથિ વિશેષ' તરીકે ઉપસ્થિત રહેશે
- દીક્ષાંત સમારોહમાં 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ડિગ્રી એનાયત કરશે
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો ચતુર્થ દીક્ષાંત સમારોહ તા.27 ફેબ્રુઆરી, 2026ના રોજ NFSU, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ભારતના મુખ્ય ન્યાયાધીશ 'મુખ્ય અતિથિ' તરીકે ઉપસ્થિત રહેશે. હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત અને ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ 'સન્માનનીય અતિથિ' તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ,'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે.
પ્રો. (ડૉ.) એસ.ઓ.જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા જણાવાયું હતું કે, આ ચતુર્થ દીક્ષાંત સમારોહમાં કૂલ 1,799 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં 17 પીએચ.ડી. પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાના સન્માન પૈકી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 52 સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાશે.
દીક્ષાંત સમારોહ દરમિયાન એક સીમાચિહ્નરૂપ પહેલ એવા આંતરરાષ્ટ્રીય ડિજિટલ વિવાદ નિવારણ કેન્દ્ર (IDDRC)નું ઉદ્ઘાટન ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે. આ કેન્દ્રનો હેતુ નવીનતા, પારદર્શિતા અને વિવાદોના ઝડપી નિરાકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાનો છે. IDDRCની કલ્પના ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિવાદ નિવારણમાં સુલભતા અને અસરકારકતા વધારવા માટે કરવામાં આવી છે.
દીક્ષાંત સમારોહમાં આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, જેમાં ઝિમ્બાબ્વે અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ, ભારતભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ, બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ