

પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિની બેઠક ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. અગાઉ 21મી તારીખે નિર્ધારિત બેઠક ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. બેઠકમાં એજન્ડા પરના 11 કાયદેસરના તથા 12 વધારાના કામો સહિત કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સમિતિએ આગામી વર્ષ માટેનું ₹21.74 કરોડનું ખાધવાળું બજેટ સર્વાનુમતે બહાલી આપી તેને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો. સભ્ય દેવચંદભાઈ પટેલની રજૂઆત બાદ બજેટને મંજૂરી અપાઈ હતી. સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં નવો ટાઉન હોલ બનાવવાનો પ્રસ્તાવ પણ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલાયો હતો.
બેઠકની શરૂઆત પહેલા જ શહેરમાં દબાણો હટાવવાની કાર્યવાહી મુદ્દે શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસરની નીતિ સામે હોબાળો મચાવ્યો હતો. દબાણ હટાવવાની પ્રક્રિયામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરી ગરીબો સામે તાત્કાલિક કાર્યવાહી અને વગદાર લોકો સામે શિથિલ વલણ રાખવામાં આવતું હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ખાસ કરીને મામલતદાર કચેરી બહાર પાર્કિંગ જગ્યામાં થયેલા દબાણો અંગે ગેરકાયદેસર ભાડું વસૂલાત થતી હોવા છતાં તંત્ર મૌન હોવાનો આક્ષેપ થયો હતો. સભ્યોએ ભેદભાવ વિના તમામ દબાણો દૂર કરી પાર્કિંગ જગ્યા જનતા માટે ખુલ્લી કરવાની માંગ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ