

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપલા દ્વારા વર્ષ 2024-25 માટેનો પ્રતિષ્ઠિત ‘પુરાણીજી પારિતોષિક’ ગ્રીન એમ્બેસેડર જિતુભાઈને એનાયત કરવામાં આવ્યો છે. સાહસ, સેવા અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને માન આપી આ સન્માન આપવામાં આવ્યું છે. રાજપીપલા ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેમને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.
હરિ:ૐ આશ્રમ પ્રેરિત આ પારિતોષિક વીરતા અને નૈતિકતાને બિરદાવવા માટે આપવામાં આવે છે. જિતુભાઈએ પર્યાવરણ અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા અનેક નોંધપાત્ર કાર્યો કર્યા છે. હિંસક પ્રાણીઓના હુમલા સમયે પોતાના જીવના જોખમે અન્ય લોકોનું રક્ષણ કરવા જેવી વીરતાભરી કામગીરી તેમણે કરી છે. ઉપરાંત હાઈવે પર મૃત પશુઓને રસ્તાની સાઈડ પર ખસેડીને અકસ્માતો અટકાવવાના પ્રયાસો પણ તેમણે કર્યા છે.
તરણ અને પર્વતારોહણ જેવા સાહસિક ક્ષેત્રોમાં પણ તેમણે સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સન્માન દ્વારા જિતુભાઈએ સમાજ સમક્ષ સાહસ અને સેવા ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR