
કોલકતા, નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.): આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મંગળવારે સવારે દક્ષિણેશ્વર ખાતે બેલુર મઠ અને ભવતારિણી મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ રાજ્યમાં હિંસામુક્ત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
પશ્ચિમ બંગાળની ત્રણ દિવસની મુલાકાતે આવેલા જ્ઞાનેશ કુમાર, મંગળવારે સવારે લગભગ 7 વાગ્યે બેલુર મઠ પહોંચ્યા. તેમણે મુખ્ય મંદિરમાં પ્રાર્થના કરી અને મઠના પ્રમુખ સ્વામી ગૌતમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી, તેમના આશીર્વાદ લીધા. તેઓ લગભગ 45 મિનિટ સુધી મઠ પરિસરમાં રહ્યા.
બેલુર મઠ છોડ્યા પછી તેમણે પત્રકારોને જણાવ્યું કે, આ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ચૂંટણી કમિશન રાજ્યમાં શાંતિપૂર્ણ અને હિંસામુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.
બેલુર મઠ છોડ્યા પછી જ્ઞાનેશ કુમારે, દક્ષિણેશ્વર સ્થિત ભવતારિણી મંદિરની પણ મુલાકાત લીધી. ત્યાં મુસાફરી કરતી વખતે તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હોવાના પણ આરોપો લાગ્યા છે. સોમવારે શરૂઆતમાં, મુખ્ય ચૂંટણી કમિશનરે રાજ્ય પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી. બેઠક બાદ, ચૂંટણી પંચની પૂર્ણ ખંડપીઠે સ્વીકાર્યું કે, કેટલાક વિસ્તારોમાં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટે વાતાવરણ અનુકૂળ છે.
દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે, સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર એક બંધારણીય પદ છે, અને આવા પદ પર રહેલા વ્યક્તિ સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 100 સાંસદોની સહીઓ જરૂરી છે. તૃણમૂલ કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભામાં કુલ 41 સાંસદો છે. તેથી, પાર્ટીને અન્ય સમાન વિચારધારા ધરાવતા પક્ષોના સાંસદોનો ટેકો મેળવવો પડશે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ