
ગાંધીનગર, 11 માર્ચ (હિ.સ.) ગાંધીનગરના હૃદયસમા વિસ્તારમાં સ્થિત દાંડી કુટીર એ માત્ર એક ઈમારત નથી, પણ ભારતની આઝાદીના ઈતિહાસનું જીવંત પ્રતીક છે. 'દાંડી કૂચ સ્મૃતિ દિવસ' નિમિત્તે આ અદભૂત સ્થાપત્ય અને તેના દ્વારા ઉજાગર થતા મહાત્મા ગાંધીના મૂલ્યો પર એક વિશેષ લેખ.
12 માર્ચ,1930 આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે સાબરમતીના સંતે અન્યાયી મીઠાના કાયદા વિરુદ્ધ પદયાત્રા શરૂ કરી હતી. આજે જ્યારે આપણે આ દિવસને યાદ કરીએ છીએ, ત્યારે ગાંધીનગરની 'દાંડી કુટીર' તે આંદોલનની તીવ્રતા અને ગાંધીજીના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરે છે.
દાંડી કુટીરની સૌથી મોટી વિશેષતા તેનો આકાર છે. આ મ્યુઝિયમ મીઠાના ઢગલા જેવો આકાર ધરાવે છે, જે સીધો જ મીઠાના સત્યાગ્રહ સાથે સંબંધ દર્શાવે છે. આ વિશાળ કુટીર વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે જે ફક્ત એક વ્યક્તિ મહાત્મા ગાંધી ના જીવન પર આધારિત છે.
આ દાંડી કુટીર આધુનિક ટેકનોલોજી અને ઈતિહાસનો સંગમ છે.સ્મૃતિ દિવસ નિમિત્તે અહીં આવતા મુલાકાતીઓ માત્ર વસ્તુઓ જોતા નથી, પણ ઈતિહાસને અનુભવે છે.
અહીં 3D વિઝ્યુઅલ્સ મારફતે ગાંધીજીના બાળપણથી લઈને આઝાદી સુધીની સફરને લેસર ટેકનોલોજી દ્વારા જીવંત કરવામાં આવી છે. મુલાકાતીઓને દરેક તબક્કાની માહિતી આપવા માટે આધુનિક હેડસેટ્સની સુવિધા છે.
દાંડી કૂચના મહત્વના દ્રશ્યોને એવી રીતે કંડારવામાં આવ્યા છે કે જાણે તમે પોતે તે પદયાત્રાનો હિસ્સો હોવ.
દાંડી કુટીરની મુલાકાત આપણને યાદ અપાવે છે કે કેવી રીતે ૭૮ સાથીઓ સાથે શરૂ થયેલી 241 માઈલની પદયાત્રાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું. તે માત્ર મીઠાનો ટેક્સ હટાવવાની લડાઈ નહોતી, પણ આત્મસન્માન અને અહિંસક પ્રતિકારની લડાઈ હતી.
આજના ડિજિટલ યુગમાં, દાંડી કુટીર યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર છે. તે શીખવે છે કે,સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સૌથી શક્તિશાળી શાસનને પણ નમાવી શકાય છે.
ગાંધીનગરની દાંડી કુટીર એ માત્ર પર્યટન સ્થળ નથી, પણ એક 'અનુભૂતિ' છે. દાંડી કૂચ સ્મૃતિ દિવસે અહીંની મુલાકાત લેવી એ રાષ્ટ્રપિતા પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે, જે આપણને આપણા મૂળિયાં અને આઝાદીની કિંમત સમજાવે છે.
દાંડી કુટીરનું નિર્માણ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર સંકુલના ભાગરૂપે કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો મુખ્ય પ્રોજેક્ટ આશ્ચર્યજનક રીતે ખૂબ જ ટૂંકા સમયમાં લગભગ 7 થી 9 મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય સ્મારકનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૫ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખર્ચ અને કદની વાત કરવામાં આવે તો આશરે રૂપિયા ૨૬૦ કરોડના ખર્ચે બનેલું આ મ્યુઝિયમ ૧૫ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
દાંડી કુટીર આજે વિશ્વના નકશા પર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે,વિશ્વનું સૌથી મોટું વ્યક્તિગત મ્યુઝિયમ છે, સાથે આ દુનિયાનું સૌથી મોટું કાયમી મ્યુઝિયમ પણ છે, જે માત્ર એક જ વ્યક્તિ ના જીવન અને વિચારો પર આધારિત છે.
અહીં 14 થી વધુ અત્યાધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજી જેમ કે 3D હોલોગ્રાફી, 3D મેપિંગ, અને 4D વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થયો છે, જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
41 મીટર ઊંચો અને 90 મીટર વ્યાસ ધરાવતો આ શંકુ આકારનો 'મીઠાનો ઢગલો' ગાંધીજીના સત્યાગ્રહનું મજબૂત પ્રતીક માનવામાં આવે છે.
દાંડી કુટીર કેવી રીતે પહોંચશો?
ગાંધીનગરના સેક્ટર-13 માં સ્થિત છે.અહીં રોડ માર્ગથી અમદાવાદથી ગાંધીનગર માત્ર 30 કિમી દૂર છે. તમે ખાનગી ટેક્સી, એસ.ટી. બસ અથવા જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો બસ દ્વારા સરળતાથી પહોંચી શકો છો.
રેલવે માર્ગ માટે સૌથી નજીકનું સ્ટેશન 'ગાંધીનગર કેપિટલ' છે, જે મ્યુઝિયમથી માત્ર ૨ કિમીના અંતરે છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ટેક્સી ઉપલબ્ધ છે.
ઉપરાંત હાલમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા કાર્યરત છે, જેના દ્વારા છેક સ્થળ સુધી આસાનીથી પહોંચી શકાય છે.
હવાઈ માર્ગે પહોંચવા નજીકનું એરપોર્ટ 'સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ' અમદાવાદ છે, જે આશરે 20 કિમી દૂર છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ