
ભાવનગર, 11 માર્ચ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં રોટરી ક્લબ ભાવનગર દ્વારા શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા પરિવાર સંચાલિત શાળાઓને શિક્ષણ સુવિધા રૂપે સ્માર્ટ બોર્ડનું દાન આપવામાં આવ્યું છે. આ દાનથી લોકશાળા આંબલા તથા મોજીલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવાની વધુ સારી તક મળશે.આ સ્માર્ટ બોર્ડના માધ્યમથી વિદ્યાર્થીઓ હવે દૃશ્ય અને પ્રસ્તુતિ આધારિત અભ્યાસ કરી શકશે, જેના કારણે પાઠ્ય વિષય વધુ સરળતાથી સમજવામાં મદદ મળશે. ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બને છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળે છે.
આ પ્રસંગે સંસ્થાના નિયામક મેહુલભાઈ ભટ્ટ, લોકશાળા આંબલાના ફરજ પરના આચાર્ય ગૌરાંગભાઈ વોરા તેમજ મોજીલી પ્રાથમિક શાળાના આચાર્ય મહાશંકરભાઈ પંડ્યાએ રોટરી ક્લબ ભાવનગરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની શિક્ષણ સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શહેર જેવી આધુનિક શિક્ષણ પદ્ધતિનો લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સાથે નવી વિચારશક્તિ અને સર્જનાત્મકતા પણ વિકસે છે. રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલ આ સ્માર્ટ બોર્ડ શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.શાળા પરિવાર દ્વારા દાતા સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે આવા સહયોગની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ દાનથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT