
અમદાવાદ, 13 માર્ચ (હિ.સ.) : અમદાવાદ શહેરમાં આજે સવારે એએમટીએસ બસમાં આગ લાગી હતી. શહેરના પાલડી જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ નજીક મુસાફરો ભરેલી એએમટીએસ બસના એન્જિન બોનેટમાંથી ધુમાડો નીકળતા કંડક્ટરે સમયસૂચકતા વાપરી મુસાફરોને ઉતારી દીધા હતા. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટર સહીસલામત છે.
નોંધનીય છે કે, આ બસમાં છથી સાત મુસાફરો સવાર હતા
અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ એએમટીએસ બસ લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે, એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો ને આગ લાગવા લાગી. જેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ