વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે કરાશે
- રાજ્યભરમાં 9 થી 15 માર્ચ દરમિયાન ''ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ''ની ઉજવણી - વર્ષ 2024 થી અત્યાર સુધીમાં અંદાજે 22,702 જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત'' ના વિઝન અને
World Consumer Rights Day


- રાજ્યભરમાં 9 થી 15 માર્ચ દરમિયાન 'ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ'ની ઉજવણી

- વર્ષ 2024 થી અત્યાર સુધીમાં અંદાજે 22,702 જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ

ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત' ના વિઝન અને ગ્રાહક સુરક્ષાને રાષ્ટ્રના વિકાસના અભિન્ન અંગ ગણવાની નેમ સાથે ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિતોનું રક્ષણ એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો એક ભાગ બની ગઈ છે. આ જ વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં અનેક નવતર આયામો સર કર્યા છે.

આગામી 15 માર્ચ,2026 ના રોજ 'વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ'ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે કરાશે.

રાજ્યમાં ગ્રાહક જાગૃતિના આ યજ્ઞને વધુ વ્યાપક બનાવવા માટે 9 થી 15 માર્ચ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 'ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અભિયાન હેઠળ માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો દ્વારા શાળાઓ, કૉલેજો, સરકારી કચેરીઓ અને ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યક્રમો યોજી ગ્રાહકોને તેમના અધિકારો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે કાર્યરત કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ પ્રોટેક્શન યુનિટ -CAPU દ્વારા વર્ષ 2024થી અત્યાર સુધીમાં અંદાજે 22,702 જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ વર્ષ 2025-26 દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળોને ગ્રાહક જાગૃતિ અને પ્રચાર – પ્રસારની કામગીરી માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં 199 શિબિર, 74 વર્કશોપ,221 ગ્રામસભા- શેરીસભા,3,11,101 પત્રિકાઓનું વિતરણ,48,831 બુલેટીનનું પ્રકાશન અને 1161 જેટલા સેમિનાર યોજીને લાખો નાગરિકો સુધી ગ્રાહક શિક્ષણ પહોંચાડવા માં આવ્યું છે.

રાજ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન પરનું ભારણ ઘટાડવા માટે મધ્યસ્થી અને સમજાવટના દ્વારા વર્ષ 2025માં અંદાજે 5157 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

ટેકનોલોજી અને નવા સંશોધનો ના યુગમાં ગુજરાતે ફરી એકવાર પહેલ કરી છે. કન્ઝ્યુમર અફેર એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત – CAPAG દ્વારા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર – CERC તથા CARE Edge સાથે કરવામાં આવેલા મહત્વપૂર્ણ એમઓયુ અંતર્ગત વિશ્વમાં પ્રથમ વખત ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ - CRI’ તૈયાર કરવામાં આવશે. આ ઇન્ડેક્સ દ્વારા કંપનીઓને ગ્રાહક પ્રત્યેના વર્તન, ગ્રાહક હક્કોના રક્ષણ અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવામાં આવશે.

આ ઉપરાંત, દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રોની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આ દિશામાં અત્યંત સતર્કતાથી કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે ચાલુ નાણાકીય વર્ષમાં સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પંપની તપાસણી અંગેની ઝુંબેશ દરમિયાન રાજયમાં કુલ-296 પંપો સામે ગુન્હો નોંધી માંડવાળ ફી તરીકે 1,77,500, મીઠાઇ-ફરસાણ- ડ્રાયફ્રુટની દુકાનો, ગીફટ શોપની દુકાનોની તપાસ કરી ગેરરીતિ બદલ કુલ-283 મીઠાઇ- ફરસાણ- ડ્રાયફ્રુટની દુકાનો સામે ગુન્હો નોંધી રૂ.14,42,850, સોના-ચાંદીના વેપારીઓ તથા જવેલરી શો રૂમની તપાસ કરી ગેરરિતી બદલ કુલ-256 એકમો સામે ગુન્હો નોંધીને માંડવાળ ફી તરીકે રૂ.6,84,500 વસૂલ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલ ખાણીપીણીના સ્ટોલ પર તપાસ કરી વેચાણ કિંમત કરતા વધુ રકમ વસૂલ કરતા કુલ-09 સ્ટોલ સામે ગુન્હો નોંધીને રૂ.42,000 માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવ્યા છે.

રેડિયો, આકાશવાણી, હોર્ડિંગ્સ અને કેલેન્ડર જેવા પ્રચાર – પ્રસારના માધ્યમો દ્વારા છેવાડાના માનવી સુધી 'જાગો ગ્રાહક જાગો'નો સંદેશ પહોંચાડીને ગુજરાત સરકાર ગ્રાહકોને સશક્ત અને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ -૨૦૨૬ની થીમ “Safe Product, Confident Consumers” રાખવામાં આવી છે, જે ગ્રાહકોના આત્મવિશ્વાસને વધારવા અને બજારમાં પારદર્શિતા લાવવાના સરકારના નિર્ધારને પ્રતિબિંબિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande